US to modernize H-1B visa system after fraud
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાની ફેડરલ એજન્સી – યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વીસિઝ () દ્વારા એક અસાધારણ નિવેદનમાં ગયા સપ્તાહના અંતે એવી જાહેરાત કરાઈ હતી કે, નાણાંકિય વર્ષ 2023 તથા નાણાકિય વર્ષ 2024ની H-1B કેપ સીઝનમાં પુરાવાના આધારે, આ વિઝાની અરજીઓમાં ફ્રોડ તથા દુરૂપયોગ થયાનું જણાતા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ કેટલીક અરજીઓ નામંજુર કરાઈ હતી, તો કેટલીક મંજુરીઓ પણ રદ કરાઈ હતી. ટેકનોલોજી કંપનીઓ આ વિઝાના આધારે દર વર્ષે ચીન અને ભારતથી હજ્જારો લોકોની ભરતી કરે છે.

યુએસસીઆઈએસે એવી પણ જાહેરાત કરી હતી કે, તે ક્રિમિનલ પ્રોસિક્યુશન માટે લો એન્ફોર્સમેન્ટ રેફરલ્સની શરૂઆત કરવાનું આયોજન કરી રહી છે.

એજન્સીના જણાવ્યા મુજબ તેની તપાસમાં એવું બહાર આવ્યું છે કે, કેટલીક કંપનીઓ લોટરી સીસ્ટમમાં એકની એક અરજીઓ અનેક વખત નાખે છે, જેની પાછળનો તેમનો કથિત ઈરાદો વિઝા પ્રાપ્ત કરવાની તેમની તકો વધારવાનો હોય છે. H-1B પ્રોગ્રામ આપણા દેશની ઈમિગ્રેશન સીસ્ટમ તથા આપણા અર્થતંત્રનો એક આવશ્યક હિસ્સો છે અને યુએસસીઆઈએસ આ કાયદાનો સુયોગ્ય અમલ કરવા તેમજ અમેરિકાની લેબર માર્કેટની નિરંતર બદલાતી રહેતી જરૂરતો પુરી કરવામાં સહાયક બનવા પ્રતિબદ્ધ છે.

અમે હાલમાં H-1Bના આધુનિકરણના એક નિયમ ઉપર કાર્યરત છીએ, જેમાં અન્ય સુધારાઓની સાથે એવી દરખાસ્તનો પણ સમાવેશ કરાશે કે રજીસ્ટ્રેશન સીસ્ટમમાં તેના દુરૂપયોગ તથા ફ્રોડની શક્યતાઓ ઘટાડવામાં આવે. નાણાકિય વર્ષ 2024 માટેની રજીસ્ટ્રેશનની અરજીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો હતો. અગાઉના વર્ષની 4,83,927ની તુલનાએ 2024ના વર્ષમાં અરજીઓની સંખ્યા વધીને 7,80,884 નોંધાઈ હતી. આમાં 4,08,891 લોકોએ એકથી વધુ અરજી કરી હોવાનું જણાયું હતું. અગાઉના વર્ષે આવા એકથી વધુ અરજી કરનારા લોકોની સંખ્યા 1,65,180ની હતી.
આ વિઝા ત્રણ વર્ષની મુદત માટે અપાય છે અને તેની મુદત વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે.

LEAVE A REPLY

12 − five =