California Assembly Election
(istockphoto.com)

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચેના પ્રેસિડેન્ટપદના તા. 3 નવેમ્બરના મુખ્ય ચૂંટણી જંગમાં વહેલા ચૂંટણીના ગયા સપ્તાહે શરૂ થયેલા ટ્રેન્ડ્સમાં કેટલાક રાજ્યોમાં નવા રેકોર્ડ સ્થપાયા છે. યુએસ ઈલેકશન પ્રોજેક્ટે આપેલી સત્તાવાર માહિતી અનુસાર ગયા સપ્તાહે – શુક્રવાર સુધીમાં જે લોકો વહેલું કે પોસ્ટથી વોટિંગ કરવા એલિજિબલ છે તેવા 22 મિલિયનથી વધુ મતદારોએ વોટિંગ કરી નાખ્યું હતું, જે એક રેકોર્ડ છે. અગાઉની 2016ની ચૂંટણીમાં આ તબક્કે લગભગ 6 મિલિયન લોકોએ જ વોટિંગ કર્યું હતું. જાણકારો, નિષ્ણાતોના મતે હાલમાં કોરોના વાઈરસના રોગચાળાના કારણે મોટી સંખ્યામાં લોકોએ વૈકલ્પિક દિવસે વોટિંગ માટે વિનંતી કરી હતી.તો જનમતના પ્રવાહો મુજબ ચૂંટણીનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ જો બિડેનની મતદારોમાં લોકપ્રિયતા વધુ મજબૂત થતી જાય છે. ટ્રમ્પના સરેરાશ 42 ટકા સમર્થકોની સામે બિડેનના 52 ટકા સમર્થકો તાજા પોલ્સમાં દર્શાવાયા હતા.

ટેક્સાસમાં પોસ્ટલ વોટિંગને મંજુરી માટેના નિયમો ખૂબજ કડક છે અને ત્યાં મંગળવારે (13 ઓક્ટોબર) પહેલા દિવસે વોટિંગનો એક નવો રેકોર્ડ સ્થપાયો હતો. તો જ્યોર્જીઆમાં સોમવારે પહેલા દિવસે 126,876 નું વોટિંગ થયું હતું, જે રાજ્યનો નવો રેકોર્ડ છે.
બન્ને ઉમેદવારોની ભાગ્ય પલટી શકવાની ક્ષમતા ધરાવતા મનાતા, મહત્ત્વના સ્વિંગ સ્ટેટ ઓહાયોમાં 2.30 મિલિયનથી વધુ લોકોએ પોસ્ટલ બેલેટ માટે વિનંતી કરી છે, જે ગત ચૂંટણી કરતાં ડબલ સંખ્યા છે. અત્યારસુધી મળતા રીપોર્ટ્સ એવું સૂચવે છે કે, રજીસ્ટર્ડ ડેમોક્રેટ્સે રજીસ્ટર્ડ રીપબ્લિકન્સની તુલનાએ ભારે પ્રમાણમાં વોટિંગ કર્યું છે, બન્ને વચ્ચેનો તફાવત કદાચ 100 ટકાથી વધુ છે. વહેલું વોટિંગ કરનારા ડેમોક્રેટ્સમાં મહિલાઓ તેમજ બ્લેક અમેરિકન્સની સંખ્યા નોંધપાત્ર છે.
વહેલા વોટિંગ કરનારાઓની મોટી સંખ્યાના કારણે કેટલાક સ્થળોએ તો લાંબી લાઈનો લાગી હતી, લોકોએ 11 -11 કલાક લાઈનમાં ઉભા રહી વોટિંગ કર્યું હતું. પોસ્ટલ વોટિંગ વિષે બૂમ બરાડા પાડીને ફરિયાદ કરનારા રીપબ્લિકન્સ અને ખાસ તો ટ્રમ્પના હોબાળા સામે, બ્રેનન સેન્ટર ફોર જસ્ટીસે 2017માં હાથ ધરેલા એક અભ્યાસના તારણો મુજબ અમેરિકામાં વોટિંગ ફ્રોડનું પ્રમાણ 0.00004 થી 0.00009 ટકા જેટલું જ છે.

આ વખતે યુવા મતદારો મોટી સંખ્યામાં વોટિંગ કરી રહ્યા છે. બરાક ઓબામા અમેરિકાના પહેલા બ્લેક પ્રેસિડેન્ટ ચૂંટાયા તે 2008ના ઈલેકશન પછી યુવા મતદારોની સંખ્યા આ વખતે વધી જશે એવા અંદાજો છે.

એક્સીઓઝના તાજેતરના એક સર્વે મુજબ યુનિવર્સિટીમાં ભણતા યુવા મતદારોના 40 ટકાએ એવું કહ્યું હતું કે, ટ્રમ્પ આ વખતે જીતે તો તેઓ તેના વિરોધમાં દેખાવો કરશે. એની તુલનાએ સર્વેમાં આવરી લેવાયેલામાંથી ફક્ત 3 ટકા વિદ્યાર્થીઓએ જ બિડેન ચૂંટાય તો તેની સામે દેખાવો કરવાના સંકેતો આપ્યા હતા.

એકપણ પોલમાં ટ્રમ્પનું સમર્થન 45 ટકા સુધી પહોંચ્યું દેખાતું નથી, તો લગભગ દરેક પોલમાં બિડેનનું સમર્થન 50 ટકા કે તેથી વધુ જણાય છે. સતત નીચા પોલ્સ અને ઘટતી લોકપ્રિયતાના પગલે ટ્રમ્પના નિવેદનોના બેફામપણામાં પણ વધારો થયો છે. સોમવારે (19 ઓક્ટોબર) તો તેમણે ડો. એન્થની ફૌસીને પણ ‘ઈડિયટ’ કહી દીધા હતા. ફૌસીએ એવું કહ્યું હતું કે, ટ્રમ્પ જે રીતે વર્તતા હતા, તેના કારણે તે કોરોનાની ઝપટમાં આવી ગયા તે બાબતે તેમને સ્હેજે નવાઈ નથી લાગી. તો ટ્રમ્પે એવું કહ્યું હતું કે, ફૌસી તો સૌથી મોટી દુર્ઘટના છે. તેની સલાહ પોતે માની હોત તો આખું અમેરિકા આજે નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયું હોત.