(ANI Photo)

ઉત્તરાખંડમાં 17થી 19 ઓક્ટોબરે સતત ત્રણ દિવસ ભારે વરસાદને કારણે કુમાઉ પ્રદેશમાં આશરે રૂ.2,000 કરોડનું નુકસાન થયું છે, એમ ડિવિઝનલ કમિશનર સુશીલ કુમારે શુક્રવારે જણાવ્યું હતું.

રાજયના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ અગાઉ જણાવ્યું હતું કે વણથંભ્યા ભારે વરસાદને કારણે રાજયને આશરે રૂ.7,000 કરોડનું નુકસાન થયું છે. કુમાઉના ડિવિઝન કમિશનરે જણાવ્યું હતું કે કુમાઉ ડિવિઝન કમોમસી વરસાદનો ભોગ બન્યો છે. તેનાથી પાક અને સંપત્તિને આશરે રૂ.2,000 કરોડનું નુકસાન થયું છે.આ ઉપરાંત સૌથી વધુ સંખ્યામાં મોત અને મોટાપાયે મકાનોને નુકસાન થયું છે.

ભારે વરસાદથી રાજ્યમાં કુલ 65 મોત થયા હતા, જેમાંથી 59 મોત કુમાઉમાં થયા હતા. નૈનિતાલમાં સૌથી વધુ 35ના મોત થયા હતા. આ ઉપરાંત ચંપાવતમાં 11 અને અલમોડામાં 6ના મોત થયા હતા. બાગેશ્વરમાં એક, પિથોડાગઢમાં ત્રણ અને ઉધમનગર જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું હતું.

ભારતીય હવાઇદળના સાત હેલિકોપ્ટર્સ અને એક ખાનગી હેલિકોપ્ટરે છેલ્લાં કેટલાંક દિવસોમાં કુમાઉ વિસ્તારમાં ગુંજી, જોલિન્ગકોંક, તિડાંગ અને પિન્ડારીના દૂરના ટ્રેકિંગ રૂટ્સ પરથી આશરે 100 પ્રવાસીને બચાવ્યા હતા. કમિશનરે જણાવ્યું હતું કે ઊંચાઇ પર આવેલા આ પ્રદેશમાં ફસાયેલા પ્રવાસીઓ ઉપરાંત અમારી 22 એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો અને 1,500 પોલીસે જવાને વિવિધ વિસ્તારોમાં ફસાયેલા 816 લોકોને બચાવ્યા હતા તથા 7,880 ટુરિસ્ટ્સને વિવિધ પ્રવાસ સ્થળોથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રાજ્ય સરકારની એજન્સીઓએ 1,500 ફૂડ પેકેડનું વિતરણ કર્યું હતું અને લંગર બનાવ્યા હતા.