(PTI Photo)

ભારતમાં અત્યાર સુધી આશરે 15 મિલિયન લોકોને વેક્સિનના 18 મિલિયન ડોઝ આપવામાં આવ્યા છે. ગુરુવારે વેક્સિનના 1.4 મિલિયન ડોઝ આપવામાં આવ્યા હતા, જે રસીકરણ અભિયાન પછી એક દિવસમાં સૌથી વધુ ડોઝ છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. ભારતે ઓગસ્ટ સુધીમાં 300 મિલિયન લોકોને વેક્સિન આપવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે હાલના રેટને બમણો કરવો પડશે.

અત્યાર સુધી આશરે 68,53,083 આરોગ્ય કાર્યકરોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 31,41,371 આરોગ્ય કાર્યકારોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આશરે 60,90,931 ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 67,297 ફ્રન્ટલાઇન વર્કર્સને બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. 45 વર્ષથી મોટી ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા 2,35,901 લાભાર્થી પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 60 વર્ષથી મોટી ઉંમરના 16,16,920 લોકોને વેક્સિન અપાઈ છે.

આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જારી કરેલા ડેટા અનુસાર દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 16,836 કેસ નોંધાયા હતા અને 113 લોકોના મોત થયા હતા. કુલ કેસમાંથી 84.4 ટકા કેસ છ રાજ્યોમાં હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8,998 કેસ નોંધાયા હતા. ભારતમાં શુક્રવાર સુધીમાં કુલ કેસની સંખ્યા 11.2 મિલિયન રહી હતી, જે અમેરિકા પછી બીજા ક્રમે છે. દેશમાં મૃત્યુઆંક 157,548 છે.