bivalent booster vaccine

અમદાવાદ શહેરમાં વધુને વધુ લોકો કોરોનાની રસી લે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શુક્રવારે નવો નિર્ણય જાહેર કર્યો હતો. આ નવા નિર્ણય અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવતી તમામ બિલ્ડિંગ્સ અને જગ્યામાં પ્રવેશ માટે વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે. આ સાથે AMTS-BRTS, કાંકરિયા તળાવ, કાંકરીયા ઝૂ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ પર જવા માટે પણ કોરોનાની વેક્સિન લીધેલી હોવી ફરજિયાત છે.

આ નિર્ણય અંગે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે ટ્વીટ કરતા લખ્યું કે તારીખ 20 સપ્ટેમ્બર, સોમવારથી એન્ટ્રી પોઈન્ટ પર વેક્સિન સર્ટિફિકેટ પણ ચેક કરવામાં આવશે. જેમાં AMTS-BRTS, કાંકરિયા લેક ફ્રન્ટ, ઝૂ, રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જીમ, સ્વિમિંગ પૂલ, એએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિટી સર્વિસ સેન્ટર્સ, એએમસીના તમામ પબ્લિક બિલ્ડિંગ્સનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં અમદાવાદના નાગરિકોને કુલ 53,03,419 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ ડોઝ 36,59,200 અને બીજો ડોઝ 16,44,219 આપવામાં આવ્યા છે.