ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર યુકેમાં કોવિડનો ચેપ 1.4 મિલિયન સુધી પહોંચ્યો છે અને ફ્લૂ અને સ્ટ્રેપ એ કેસો વધી રહ્યા છે. જેથી ડોકટરોએ લોકોને ફ્લુ અને કોવિડની રસી લેવા વિનંતી કરી છે. જીપી અને ફાર્માસિસ્ટ્સે લોકોમાં શરદીના કેસો વધી રહ્યા હોવાનું જણાવ્યું છે.

ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં ચેપ વધી રહ્યો છે જ્યારે વેલ્સ અને નોર્ધર્ન આયર્લૅન્ડમાં અનિશ્ચિત વલણો છે. ઇંગ્લેન્ડમાં છેલ્લા અઠવાડિયામાં કોવિડ-19ના દર્દીઓમાં 29 ટકાનો વધારો થયો છે.

ડોકટરોએ આ શિયાળામાં પોતાની તબિયત સારી રાખવા માટે લોકોને તેઓ જે કરી શકે તે કરવા ભારપૂર્વક વિનંતી કરી છે. જીપીએ સર્જરીઓની એપોઇન્ટમેન્ટ નવા વર્ષ સુધી બંધ કરી હતી. શ્વસન સમસ્યાઓમાં મદદ માંગતા લોકોમાં પણ વધારો થયો હતો.

એનએચએસના વડાઓ ફ્લૂના ગંભીર તરંગથી ચિંતિત છે અને ક્રિસમસ દરમિયાન હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓમાં વધારો થયો છે. ફ્લૂ સાથે 2,300 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જે સંખ્યા ગયા વર્ષના આ સમય કરતાં 70 ગણી વધારે હતી. નવેમ્બરના અંતે દૈનિક સરેરાશ સંખ્યા 482 હતી. ગંભીર રીતે બીમાર ફ્લૂના દર્દીઓ માટે આઇસીયુમાં પ્રવેશ એક સપ્તાહમાં 70 ટકાથી વધુ વધીને 149 થયો હતો જે ગયા વર્ષે આ વખતે બે હતો.

આ અઠવાડિયે સ્ટ્રેપ એ બેક્ટેરિયમના ચેપમાં મોટો વધારો નોંધાયો હતો. સપ્ટેમ્બરથી આક્રમક સ્ટ્રેપ એ’ના 960 કેસ નોંધાયા છે, જેના કારણે 94 મૃત્યુ થયા છે, જેમાં 39 લોકો 75 અને તેથી વધુ વયના છે. 12 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં સ્કારલેટ ફીવરના 27,486 કેસ નોંધાયા છે, જે ગયા વર્ષે આ સમયે 3,287 હતા.

નિષ્ણાતો ઑસ્ટ્રેલિયામાં ફેલાયેલા ગંભીર H3N2 ફ્લૂના પ્રસાર વિશે પણ ચિંતિત છે.

LEAVE A REPLY

3 × 2 =