કોરોના વેક્સીનને પેટન્ટ મુક્ત કરવાની ભારતની દરખાસ્તને અમેરિકાએ સમર્થન આપ્યું છે. સામાન્ય રીતે અમેરિકા બૌદ્ધિક સંપદાના અધિકારો અંગે આકરું વલણ ધરાવતું હોય છે, પરંતુ વૈશ્વિક મહામારીને કારણે વિશ્વની આ મહાસત્તાએ તેના વલણને હળવું કર્યું છે. અમેરિકાના સમર્થન બાદ યુરોપિયન યુનિયન અને ન્યૂઝિલેન્ડ પણ વેક્સીનના બૌદ્ધિક સંપદા અંગે વિશ્વ વેપાર સંગઠનમાં ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે.

કોરોના વાયરસની મહામારીએ સમગ્ર દુનિયાને ધમરોળી મુક્યુ છે અને દરેક દેશ પોતાના લોકોને જેમ બને તેટલી જલદી કોરોના વેક્સીન ઉપલબ્ધ થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે. આ દરમિયાન વિશ્વની તમામ વ્યક્તિઓને વાજબી ભાવે પુરતી રસી મળે તે માટે ભારત સરકારે વિશ્વ વેપાર સંગઠન સમક્ષ આ મહત્વપૂર્ણ  દરખાસ્ત મુકી હતી. જેને અમેરિકાની સરકારે પણ સમર્થન આપ્યુ છે. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેનની સરકારે વિશ્વ વ્યાપાર સંગઠન સમક્ષ ભારત અને દક્ષિણ આફ્રિકાની દરખાસ્તને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

અમેરિકાના પ્રેસિડન્ટ બાઇડેને ડેમોક્રેટિક સાંસદો અને અન્ય દેશોના દબાણના કારણે કોવિડ વિરોધી રસીને પેટન્ટમાં છુટના સમર્થન આપ્યું છે. પેટન્ટમાં છુટ મળવાથી રસીના પ્રોડક્શનમાં સ્પીડ આવશે. બીજી તરફ બાયડન સરકારના આ નિર્ણયથી નાખુશ દવા કંપનીઓએ દલીલ કરી છે કે આ છુટથી ઉત્પાદન નહીં વધે. કંપનીઓનું કહેવું છે કે કોન્ટ્રેક્ટર્સની પાસે ટેક્નોલોજી નથી. અગ્રણી ફાર્મા કંપનીઓ અને યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સના કડક વિરોધ છતા બાઇડન સરકારે આ નિર્ણય કર્યો છે. અમેરિકન કંપનીઓની દલીલ છે કે આનાથી તેમની બૌદ્ધિક સંપદા પર અસર પડશે.

અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ કૈથરીન તાઈએ જણાવ્યું હતું કે આ વૈશ્વિક આરોગ્ય સંકટ છે. તેનાથી અસાધારણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. તાઈએ કહ્યું કે બાયડેન સરકાર બૌદ્ધિક સંપદા સુરક્ષામાં દ્રઢતાથી વિશ્વાસ કરે છે. પરંતુ આ મહામારીને ખતમ કરવા માટે કોરોનાની રસી માટે છુટનું સમર્થન કરે છે. બાયડેન સરકારનો નિર્ણય વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ની સામાન્ય સભાની દરખાસ્તને મંજૂરી આપવાનો રસ્તો સરળ બનાવી દેશે. કોરોના વિરુદ્ધની લડાઈમાં ‘ઐતિહાસિક પળ’ – WHO ભારત અને દક્ષિણ આફ્રિકાએ WTOમાં કોરોનાની ઈમરજન્સી દરમિયાન બૌદ્ધિક સંપદ્દા અધિકારો સાથે જોડાયેલા વ્યાપાર સંબંધિ પાસાઓ(ટ્રિપ્સ)માં અસ્થાયી છુટ આપવાની દરખાસ્ત કરી હતી. અમેરિકાના નિર્ણય બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ ડોક્ટર ટેડ્રોસ ગેબ્રેયાસિસે કહ્યુ કે છુટનું સમર્થન કોરોનાની વિરુદ્ધ લડાઈમાં ‘ઐતિહાસિક પળ’ છે.