પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વર્જિનિયા મૃત્યુદંડની સજા નાબૂદ કરનારું અમેરિકાનું પ્રથમ દક્ષિણી રાજ્ય બન્યું છે. બુધવારે આ અંગેના ખરડા પર હસ્તાક્ષર કરતાં ડેમોક્રેટિક ગવર્નર રાલ્ફ નોર્થમે જણાવ્યું હતું કે આ એક નૈતિક કાર્ય હતું.

વર્જિનિયા મૃત્યુદંડની સજા નાબૂદ કરનારું અમેરિકાનું 23મું રાજ્ય બન્યું છે. 1600ના દાયકામાં એક કોલોની તરીકે તેની સ્થાપના બાદ અમેરિકાના બીજા કોઇ રાજ્યો કરતાં વર્જિનિયામાં વધુ મૃત્યુદંડની સજા થઈ છે. રાજ્યમાં અત્યાર સુધી આશરે 1,400 લોકોને મૃત્યુદંડની સજા થઈ છે.

ગવર્નરે રાજ્યના જેરેટ ખાતેના ગ્રીન્સવીલે કરેક્શનલ સેન્ટર ખાતે મૃત્યુદંડને નાબૂદ કરતા બિલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ જગ્યાએ રાજ્યનું એક્ઝેક્યુશન ચેમ્બર આવેલું છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે 1976માં મૃત્યુદંડની સજા ફરી ચાલુ કર્યા બાદ ટેક્સાસ પછી બીજા ક્રમે સૌથી વધુ મૃત્યુદંડની સજા વર્જિનિયામાં થયેલી છે.

હવે અમેરિકાના 23 રાજ્યોમાં મૃત્યુદંડની સજા નાબૂદ થઈ છે. બીજા ત્રણ રાજ્યો કેલિફોર્નિયા, ઓરેગોન અને પેન્સિલવેનિયામાં આ સજાના ઉપયોગ પર મોરેટોરિયમ છે. અમેરિકામાં ગયા વર્ષે સાત વ્યક્તિને મૃત્યુદંડની સજા થઈ છે. કોરોના મહામારીને કારણે ઘણા લોકો માટેની આ સજાને મોકૂફ રાખવામાં આવી છે.