ભારતના વિવિધ એરપોર્ટ પર 2021-22 દરમિયાન ગત વર્ષની સરખામણીમાં 59 ટકા વૃદ્ધિ દર નોંધીને લગભગ 83 મિલિયન સ્થાનિક મુસાફરોએ આવા-ગમન કર્યું હતું. લગભગ 136 મિલિયન (2019-20)ના પ્રી-પેન્ડેમિક ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિકની સરખામણીમાં, 2021-22માં ટ્રાફિકમાં 39 ટકાનો ઘટાડો થયો છે.
આ માહિતી નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન જનરલ (ડો.) વી.કે. સિંહ (નિવૃત્ત)એ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રની નફાકારકતાને અસર કરતા પડકારોમાં ઉડ્ડયન ઇંધણની ઊંચી કિંમત, વિદેશી વિનિમયની વિવિધતા, મર્યાદિત એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ગ્રાહકલક્ષી બાબતોનો સમાવેશ થાય છે. સરકારે આ પડકારોને પહોંચી વળવા કેટલાક પગલાં લીધા છે. જેમાં કેટલાંક રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોએ એર ટર્બાઇન ફ્યુલ (ATF) પર વેટનો ઊંચો દર લાદ્યો હતો તેમને તેને તર્કસંગત બનાવવા વિનંતી કરવામાં આવી હતી. આથી 16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ તે બાબતે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ રાજ્યો-પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ; ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર; ઝારખંડ, કર્ણાટક, લદ્દાખ, મધ્યપ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.