વાઇબ્રન્ટ ફૂડ્સે પ્રીમિયમ નટ્સ એન્ડ સ્પાઇસિસ કંપની ‘ફૂડકો’ને હસ્તગત કરીને તેના ઝડપથી વિકસતા સાઉથ એશિયન ફૂડ પોર્ટફોલિયોમાં વધારો કર્યો છે. એક મહિનામાં વાઇબ્રન્ટ ફૂડ્સનું આ બીજું એક્વિઝિશન છે.
પરિવાર સંચાલિત લંડન સ્થિત ફૂડકોનો બિઝનેસ વાઇબ્રન્ટના હાલના એથનિક બ્રાન્ડ પોર્ટફોલિયોને પૂરક છે તથા તેની પ્લાન્ટ બેઝ્ડ ઓફરિંગને વિસ્તૃત બનાવશે. તેનાથી વાઇબ્રન્ટની ગ્રાહકો સુધીની પહોંચમાં પણ વધારો થશે.
પીઇ કંપની એક્સપોનેન્ટે એશિયન અને ફ્રી ફ્રોમ માર્કેટને કોન્સોલિડેટ કરવાના એક પ્લેટફોર્મ તરીકે 2020માં વાઇબ્રન્ટની સ્થાપના કરી હતી. તેમાં હોલસેલર્સ ઇસ્ટ એન્ડ ફૂડ્સ અને ટીઆરએસ ફૂડ્સનો પણ સમાવેશ થાય છે. ગયા મહિને વાઇબ્રન્ટે પનીર કંપની એવરેસ્ટ ડેરીને હસ્તગત કરીને ચિલ્ડ ગ્રોસરી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત વાઇબ્રન્ટે ગયા વર્ષે ઇન્ડિયન એન્ડ હેલ્થી સ્નેક્સ સ્પેશ્યાલિસ્ટ કોફ્રેશ માટે પ્રથમ ડીલ કરી હતી.
વાઇબ્રન્ટ ફૂડના એક્ઝિક્યુટિવ ચેરમેન રોહિત સામાણીએ જણાવ્યું હતું કે ફૂડકો માટેની આ નવી ડીલથી યુરોપના અગ્રણી એશિયન ફૂડ બિઝનેસ તરીકે વાઇબ્રન્ટ ફૂડ્સની સ્થિતિ વધુ મજબૂત બની છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “ફૂડકોની વૃદ્ધિગાથા પર અમારી લાંબા સમયથી નજર હતી. તેઓ અદભૂત, પ્રીમીયર ઇન્ગ્રીડિયન્ટ મેળવે છે તથા લંડનમાં પારિવારીક માલિકીના એક સ્ટોરમાંથી તે દેશની સૌથી ઝડપથી વિકસિત પ્રીમિયમ એશિયન ફૂડ્સ બ્રાન્ડ બની છે.”
શૈલેષ શાહ અને અખિલ શાહ નામના બે ભાઇઓએ લંડનના વેમ્બલીના ઇલિંગ રોડ પર એક સ્ટોર સાથે 1979માં ફૂડકોની સ્થાપના કરી હતી અને હાલમાં 2,500 પ્રકારની પ્રોડક્ટ્સની રેન્જ ધરાવે છે. તે સુપરમાર્કેટસ અને સ્વતંત્ર એકમોને નટ્સ, ડ્રાઇડ ફ્રૂટ્સ, પલ્સ, સ્પેશ્યાલિટી લૉટ અને બીજા એશિયન ફૂડ સપ્લાય કરે છે.
2018માં સેઇન્સબરી સાથે સ્ટોર-ઇન-સ્ટોર કન્સેપ્ટ વિકસિત કરનારા પ્રથમ કંપનીઓમાં ફૂડકો સામેલ હતી. આ બિઝનેસની પ્રીમિયમ બ્રાન્ડ્સમાં ફૂડકો (નટ્સ, સ્પાઇસિસ અને બીજા એશિયન ફૂડ્સ), ચાઇ એક્સપ્રેસ (આયુર્વેદિક, સ્પાઇસ્ડ એન્ડ હર્બલ ટી) અને ગોલ્ડન ટ્રી (મેડિટેરિયન નટ્સ એન્ડ સીડ્સ)નો સમાવેશ થાય છે. તે હેલ્થ અને બ્યૂટી સેક્ટરમાં અલગ રેન્જ પણ ધરાવે છે.
વાઇબ્રન્ટે આ કંપનીનો ફૂડ બિઝનેસ હસ્તગત કર્યો છે. ડીલમાં હેલ્થ એન્ડ બ્યૂટી બ્રાન્ડ્સનો સમાવેશ થતો નથી. આ બ્રાન્ડ એક સ્થાપકની માલિકીમાં સ્વતંત્ર રહેશે. ફૂડકોના ફૂડ બિઝનેસમાં હેડક્વાર્ટર્સ, નોર્થવેસ્ટ લંડનમાં આવેલી ફેક્ટરી અને ઇલિંગ રોડ પરના રિટેઇલ સ્ટોરમાં કુલ 68 કર્મચારી છે.
શૈલેષ અને અખિલ શાહ આગામી મહિનાઓમાં ફૂડકોના વાઇબ્રન્ટ્સ ફૂડ્સમાં વિલીનીકરણને સપોર્ટ કરશે. શૈલેષ શાહ સ્વતંત્ર રીતે કંપનીની હેલ્થ એન્ડ બ્યૂટી બ્રાન્ડનું સંચાલન કરતાં રહેશે.
શૈલેષ શાહે જણાવ્યું હતું કે “35 વર્ષમાં અમે એવા બિઝનેસનું નિર્માણ કર્યું છે કે જે માત્ર અમારી પ્રોડક્ટ્સની ક્વોલિટીની કાળજી રાખતો નથી, પરંતુ કમ્યુનિટીની પણ સેવા કરે છે. અમે ખરેખર એક કુટુંબ સંચાલિત કંપની છીએ અને અમારા વિઝનને હાંસલ કરવાનો મુખ્ય શ્રેય મજબૂત ટીમને મળે છે.”