વિરોધ પક્ષોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમના ઉમેદવાર તરીકે માર્ગારેટ આલ્વાના નામની જાહેરાત કરી છે. (ANI Photo/Margaret Alva Twitter)

વિરોધ પક્ષોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેમના ઉમેદવાર તરીકે માર્ગારેટ આલ્વાના નામની જાહેરાત કરી છે. અગાઉ ભાજપના વડપણ હેઠળના સત્તાધારી એનડીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર તરીકે જગદીપ ધનખડના નામની જાહેરાત કરી હતી.

એનસીપી ચીફ શરદ પવારે રવિવારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે માર્ગરેટ અલ્વાના નામની જાહેરાત કરી હતી. શરદ પવારે કહ્યું કે હતું કે આ નામ માટે 17 વિપક્ષી દળોની મંજૂરી હતી. માર્ગરેટ અલ્વાના નામની જાહેરાત કરતા એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે અમે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી સાથે વાત કરવાના પ્રયાસ કર્યા હતા પણ તેઓ વ્યસ્ત હતા. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો સંપર્ક કરવાના પણ પ્રયાસ કર્યા.

માર્ગરેટ અલ્વા વર્ષ 1974માં પહેલી વખત રાજ્યસભા માટે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ સતત રાજ્યસભાના સભ્ય રહ્યા અને 1999માં લોકસભા માટે ચૂંટાયા. તેઓ કેન્દ્રમાં પ્રધાન પણ રહ્યા અને સાથે-સાથે રાજસ્થાન તેમજ ગોવાના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. માર્ગરેટ અલ્વા કર્ણાટકના રહેવાસી છે. તેઓ 5 વખત સાંસદ રહ્યા અને રાજીવ ગાંધી કેબિનેટ તેમજ નરસિંહા રાવની સરકારમાં કેબિનેટ પ્રધાન રહી ચૂક્યા છે.