સુરતના બિઝનેસમેન મહેશ સવાણી 27 જૂન 2021એ સુરત ખાતેના એક કાર્યક્રમમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારની ફાઇલ તસવીર (ANI Photo)

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને સોમવાર, 17 જાન્યુઆરીએ ફટકો પડ્યો હતો. આશરે સાત મહિના પહેલા આપમાં જોડાયેલા સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પક્ષ છોડવાની જાહેરાત કરી હતી. બીજી તરફ ગુજરાતી લોકગાયક વિજય સુવાળા આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે આપના બીજા બે નેતા પણ ભાજપમાં જોડાયા હતા.

મહેશ સવાણીએ જણાવ્યું હતું કે આપમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરું છું, હું હવે આમ આદમી પાર્ટીમાં નથી. હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું, મને કોઈ હોદ્દાનો મોહ નથી. હવે હું સેવા સાથે જ જોડાઈશ.

ગાંધીનગર ભાજપ કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિજય સુવાળાને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળાએ મીડિયાને જણાવ્યું કે, ભાજપ આજે વિશ્વની સૌથી મોટી સંગઠન ધરાવતી પાર્ટી છે. ભાજપે મારા સમાજ અને મારા પરિવારને ઘણું બધું આપ્યું છે. સુવાળાએ વધુમાં કહ્યું કે, મારી ત્રણ પેઢી ભાજપની વિચારણા સાથે જોડાયેલી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હું ફેન છે.

વિજય સુવાળા ભાજપમાં જોડાતા સીઆર પાટીલે કહ્યું કે, રાત્રિનો ભૂલેલો દિવસે પરત ફર્યો છે અને આજે પોઝિટિવ માહોલ છે. પાટીલે કહ્યું કે, આજે વિજયભાઈની ઘરવાપસી થઈ છે. વિજયભાઈ ભ્રમમાં આવી ગયા હતા અને હવે ઘરે પાછા ફર્યા છે. હું એમને ભાજપની પાર્ટીમાં આવકારું છું.’ જૂન 2021માં વિજય સુવાળા આપ નેતા ઈસુદાન ગઢવીની હાજરીમાં આપમાં જોડાયા હતા.