Violent protests by women against the hijab in Iran
REUTERS/Orhan Qereman

ઈરાનમાં હિજાબનો વિરોધ કરનાર 22 વર્ષની એક કુર્દિશ યુવતીના પોલીસ કસ્ટડીમાં મોત બાદ સરકાર સામે ફાટી નીકળેલો વ્યાપક વિરોધ આશરે 80 શહેરોમાં ફેલાઈ ગયો છે. વિશ્વના બીજા ઘણા દેશોમાં પણ આ મુદ્દે દેખાવો થઈ રહ્યાં છે. વિરોધ વચ્ચે હિજાબ વિરોધી દેખાવાની સિમ્બોલ બનેલી યુવતી હદીફ નફાસીની પોલીસે ગોળી મારીને હત્યા કરી હતી. આ મહિલાએ જાહેરમાં વાળ ખોલીને વિરોધ કર્યો તે પછી સોશિયલ મીડિયામાં એ વિરોધ પ્રદર્શનોનો ચહેરો બની ગઈ હતી. તેના પગલે પગલે અસંખ્ય યુવતીઓએ વાળ ખોલીને, વાળ કાપીને અને ઈજાબને આગ ચાંપીને વિરોધ કર્યો હતો.

ઇરાનની પોલીસે હિજાબ સંબંધિત કડક કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ મહિલાની ધરપકડ કરી હતી. માહસા અમીનીના મૃત્યુ બાદ સેંકડો દેખાવકારોએ રસ્તા ઉતરી આવી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, જે ઇસ્લામિક શાસન અને દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમૈની તરફ નિશાન સાધતા હતા. ખામૈનીએ દેખાવકારો સામે કડક કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો.

ઈરાનના સરકારી ટેલિવિઝને જણાવ્યું હતું કે સુરક્ષા દળો સાથેની હિંસક અથડામણમાં મૃત્યુઆંક વધીને 38 થઈ ગયો છે. આ અશાંતિ તાજેતરના વર્ષોમાં સૌથી વધુ વ્યાપક છે, જે ઈરાનના લગભગ 80 શહેરોમાં ફેલાઈ ગઈ છે. મશહદ, કુચાન, શિરાઝ, તબરીઝ અને કરાજમાં દેખાવકારોને કાબૂમાં લેવાના પ્રયાસ દરમિયાન ઓછામાં ઓછા પાંચ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા.

અમીનીના મૃત્યુથી ઈસ્લામિક રાષ્ટ્રમાં વ્યક્તિગત સ્વતંત્રતા પરના નિયંત્રણોને લઈને લાંબા સમયથી ચાલતા રોષને ભડકાવી દીધો છે. છેલ્લા દિવસોમાં વિરોધ કરતી કેટલીક મહિલાઓએ તેમના હિજાબને શેરીઓમાં સળગાવી દીધા હતા, જેને અવગણનાના અભૂતપૂર્વ કૃત્ય તરીકે જોવામાં આવે છે. દેખાવકારોએ ધાર્મિક નગરી કોમ અને ઇસ્ફહાન સહિત ઘણા શહેરોમાં સર્વોચ્ચ નેતાના પોસ્ટરો સળગાવી દીધા હતા. પ્રદર્શનકારીઓએ રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડર કાસિમ સુલેમાનીના પોસ્ટરો ફાડીને સળગાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ઈરાનના કાયદા અનુસાર જાહેર સ્થળોએ તમામ મહિલાઓ કપડાથી માથું ઢાંકે અને ઢીલા વસ્ત્રો ધારણ કરે.

આ નિયમ 1979ની ઇસ્લામિક ક્રાંતિ બાદથી અમલમાં છે. તે દેશની દરેક મહિલા પર લાગુ થાય છે. ઉત્તર-પશ્ચિમ શહેર સાકેજની રહેવાસી અમિનીનું ત્રણ દિવસ કોમામાં રહ્યા બાદ 16 સપ્ટેમ્બરે અવસાન થયું હતું. જ્યારે સૈન્ય પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તે તેહરાનમાં તેના ભાઈની સાથે હતી. તે એક અટકાયત કેન્દ્રમાં પડી ગયા બાદ થોડી જ વારમાં કોમામાં સરી પડી હતી.

LEAVE A REPLY

13 − 6 =