(ANI Photo)

મુંબઈ પોલીસે ક્રિકેટર વિરાટ હોહલીની 10 મહિનાની પુત્રીને રેપની ઓનલાઇન ધમકી આપનાર 23 વર્ષના એક યુવકની હૈદરાબાદમાંથી બુધવારે ધરપકડ કરી હતી. ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતના પરાજય બાદ આ ધમકી આપવામાં આવી હતી અને તેનાથી ચકચાર મચી ગઈ હતી. ચોંકાવનારી બાબત એ છે કે આવી ધમકી એક સોફ્ટવેર એન્જિનિયરે આપી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસની સ્પેશ્યલ ટીમે સોફ્ટવેર એન્જિનિયર રામનાગેશ અકુબાથિની ધરપકડ કરી હતી. તે સંગારેડ્ડી વિસ્તારનો રહેવાસી છે. આરોપીને મુંબઈ લાવવામાં આવ્યો હતો. ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની 10 મહિનાની પુત્રીને ધમકી આપવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે રામનાગેશ અગાઉ એક ફૂડ ડિલિવરી એપ માટે કામ કરતો હતો. તેને 24 ઓક્ટોબરે ધમકી આપી હતી અને સાઇબર પોલીસે સોમવારે કોહલી વતી કેસ દાખલ કર્યો હતો. પાકિસ્તાન સામે ભારતના પરાજય બાદ ભારતીય ટીમના સ્ટાર બોલર મોહંમદ સામી સામે પણ ઓનલાઇન હુમલા કરવામાં આવ્યા હતા. આ પછી કોહલીએ સામીને સમર્થન આપ્યું હતું કે ધાર્મિક ભેદભાવની ટીકા કરી હતી. હવે ટ્વીટર એકાઉન્ટ @ક્રિકક્રેઝીગર્સ મારફત કોહલીની પુત્રીને રેપને ધમકી આપવામાં આવી હતી. આ એકાઉન્ટને પછી ડિલીટ કરવામાં આવ્યું હતું.