(Photo by Stu Forster/Getty Images)

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ગુરુવારે ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટમાંથી કેપ્ટનપદ છોડવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા હતા. જો કે વિરાટ કોહલી વન-ડે તેમજ ટેસ્ટમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે. વિરાટ કોહલીના આ નિર્ણયને પગલે ટી-20માં ટીમ ઈન્ડિયાની કમાન હવે રોહિત શર્માને સોંપવાના દ્વારા ખુલી ગયા છે.

વિરાટ કોહલીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, દુબઈમાં ઓક્ટોબરમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ પછી તેને ટી-20માં કેપ્ટન તરીકે ચાલુ નહીં રહેવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી હાલ યુએઈમાં આઈપીએલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચ્યો છે અને તે પહેલા જ તેણે આ જાહેરાત કરી સૌને અચંબિત કરી દીધા હતા.
વિરાટે વધુમાં જણાવ્યું કે, કાર્યબોજ એક મહત્વની બાબત છે અને છેલ્લા આઠ-નવ વર્ષથી મારા ઉપર અતિશય કાર્યબોજને જોતા મે નિર્ણય કર્યો છે કે હું વન-ડે તેમજ ટેસ્ટ ક્રિકેટમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકું તે માટે શોર્ટ ફોર્મેટમાં હું કેપ્ટન તરીકે યથાવત્ નથી રહેવા ઈચ્છતો.