હેલ્થ એન્ડ કેર બિલને સમર્થન આપવા માટે સાંસદો અને મહિલા અધિકાર સંગઠનોના ક્રોસ પાર્ટી ગઠબંધનમાં જોડાયેલા ઇલીંગ સાઉથોલના લેબર એમપી વિરેન્દ્ર શર્માએ ‘વર્જીનીટી ટેસ્ટ’ અને ‘હાઇમેન રિપેર’ સર્જરીની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકવા માંગણી કરી છે.

કહેવાતા ‘વર્જીનીટી ટેસ્ટ’ અને ‘હાઇમેન રિપેર’ સર્જરીની પ્રેક્ટિસ યુકેમાં હાલમાં કાયદેસર છે અને યુકેમાં ઘણીવાર એરેન્જ મેરેજ પહેલા ડોકટરો દ્વારા મહિલાનો ‘વર્જીનીટી ટેસ્ટ’ અને ‘હાઇમેન રિપેર’ સર્જરી કરવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) કહે છે કે કહેવાતું ‘કૌમાર્ય પરીક્ષણ’ પીડિતોના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને તે તાત્કાલિક અને લાંબા ગાળાના બંને પરિણામો સાથે સંકળાયેલું છે. જે તેની શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી માટે હાનિકારક છે.”

રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સ (આરસીઓજી) અને રોયલ કોલેજ ઓફ મિડવાઈફ્સ (આરસીએમ) એ વર્જિનિટી ટેસ્ટિંગ અને હાઈમેનોપ્લાસ્ટીની પ્રથાઓનો સખત વિરોધ કરી બીલને ટોકો આપ્યો છે.

નવી કલમ 1 અને નવી કલમ 2 ને તમામ મુખ્ય પક્ષોના 50 થી વધુ સાંસદોનો ટેકો મળ્યો છે. સરકાર મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ કરાતી હિંસાનો સામનો કરવા માટે ‘વર્જિનિટી ટેસ્ટ’ને ગુનાહિત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

વિરેન્દ્ર શર્માએ કહ્યું હતું કે “મહિલાઓ અને છોકરીઓ ‘તેમનું સ્ત્રીત્વ તોડવાની’ અને સુહાગ રાતે લોહી વહે તેવી કલ્પનાઓથી મુક્ત થવા માટે લાયક છે. મેડિકલ સાયન્સમાં આ આઘાતજનક પ્રથાઓનો કોઈ આધાર નથી. વર્જિનિટી ટેસ્ટિંગ અને હાઇમેન “રિપેર” સર્જરી બંનેને રોકવા માટે આપણે હવે કાર્ય કરવું જોઈએ. એટલા માટે જ હું બિલની નવી કલમ 1 અને 2નું સમર્થન કરી રહ્યો છું.”

રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રિશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સ (આરસીઓજી) અને રોયલ કોલેજ ઓફ મિડવાઇફ્સ (આરસીએમ) યુકેમાં વર્જિનિટી ટેસ્ટિંગ અને હાયમેનોપ્લાસ્ટી બંને પર પ્રતિબંધ મૂકવા માંગે છે.