(ANI Photo)

ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઇનના સંયુક્ત સાહસ વિસ્તારાએ 20 મે 2022ના રોજ દિલ્હી – કોઇમ્બતુર ડાયરેક્ટ ડેઇલી ફ્લાઇટ ચાલુ કરી છે. આ ફુલ સર્વિસ એરલાઇન 27 મે 2022થી મુંબઈ-કોઇમ્બતુર ડાયરેક્ટ ડેઇલી સર્વિસ અને 3 જૂન 2022થી બેંગલુરુ-કોઇમ્બતુર ડેઇલી ફ્લાઇટની સંખ્યા બમણી કરશે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

વિસ્તારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનોદ કન્નને જણાવ્યું હતું કે ભારતના ત્રણ મેટ્રોથી કોઇમ્બતુરની ડેઇલી ડાયરેક્ટ ફ્લાઇટ્સની શરૂઆત અમારા ગ્રાહકોને વધુ જોડાણ ઓફર કરવા અને અમારૂં ડોમેસ્ટિક નેટવર્ક મજબૂત કરવા તરફનું એક મહત્ત્વનું પગલું છે. કોઇમ્બતુર ટુરિસ્ટ સ્થળ હોવા ઉપરાંત વેપાર માટે મહત્ત્વના હબ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે અમને આ રૂટ્સ પર ઉડ્ડયન સેવા પૂરી પાડવાની તક મળી છે.

વિસ્તારા સ્કાયટ્રેક્સ અને ટ્રીપ એડવાઇઝર દ્વારા સૌથી ઊંચું રેટિંગ ધરાવતી ભારતની એરલાઇન છે. તેને કેટલાંક બેસ્ટ એરલાઇનના એવોર્ડ પણ મળ્યા છે તથા કેબિનની સ્વચ્છતા અને સુરક્ષાના ધોરણો માટે તેની પ્રશંસા થઈ છે.