વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને યુરોપમાં રસી આપવાની ગતિને ખૂબ જ ધીમી જણાવીને જણાવ્યું છે કે, આ અસ્વીકાર્ય છે. જે મહામારીને લંબાવે છે, કારણકે આ યુરોપભરમાં કોરોના વાઇરસના સંક્રમણમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ઓર્ગેનાઇઝેશનના યુરોપના ડાયરેક્ટર હેન્સ ક્લૂગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આપણે ઉત્પાદનની પ્રક્રિયાને ઝડપી બનાવી પડશે જ, રસી આપવાના અવરોધોને ઘટાડવા પડશે અને હવે સ્ટોકમાં રહેલી દરેક બોટલનો ઉપોયગ કરવો જોઇએ.’ યુરોપમાં વાઇરસની સ્થિતિ ઘણા મહિનાઓમાં જોઇ છે તેનાથી વધુ ચિંતાજનક છે.
પાંચ અઠવાડિયા અગાઉ યુરોપમાં નવા કેસીઝની અઠવાડિક સંખ્યા એક મિલિયનથી ઓછી થઇ ગઇ હતી પરંતુ, ગત અઠવાડિયે મોટાભાગના દેશોમાં કોવિડ-19 સંક્રમણની સંખ્યામાં નવા 1.6 મિલિયન કેસીઝનો વધારો જોવા મળ્યો હતો. યુરોપમાં કુલ મૃત્યુનો આંકડો ઝડપથી એક મિલિયન સુધી પહોંચી ગયો છે અને કુલ કેસીઝની સંખ્યા 45 મિલિયનને પાર કરી ગઇ છે. ઓર્ગેનાઇઝેશનના યુરોપિયન રીજનમાં રશિયા અને સેન્ટ્રલ એશિયાના ઘણા રાષ્ટ્રો સહિત કુલ 53 દેશ અને પ્રદેશોનો સમાવેશ થાય છે. ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપી છે કે, ઝડપથી વાઇરસ ફેલાવાથી નવા વેરિયન્ટનું જોખમ વધી શકે છે. ઓર્ગેનાઇઝેશનના યુરોપના રીજનલ ઇમરજન્સી ડાયરેક્ટર ડોરિટ નિટઝેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચિંતાના નવા વેરીયન્ટસની શક્યતા એ દરથી વધે છે કે જેનાથી વાઇરસ ફેલાઇ રહ્યો છે, તેથી પાયાના રોગ નિયંત્રણ પગલા દ્વારા સંક્રમણને અટકાવવું મહત્ત્વનું છે.