ભારતે 21 ઓક્ટોબરે 1 બિલિયન ડોઝની સિદ્ધી મેળવ્યા બાદ અમદાવાદમાં વેક્સિન સેન્ટર શણગારવામાં આવ્યું હતું. REUTERS/Amit Dave

કોરોના વેક્સિનેશનના 1 બિલિયન ડોઝની સિદ્ધી બદલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) અને યુનિસેફે ભારતને અભિનંદન આપ્યા હતા. ડબલ્યુએચઓના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એ ગ્રેબરેયેસસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કોવિડ-19થી લોકોને સુરક્ષિત કરવાના અને વેક્સિન સમાનતાના ટાર્ગેટને હાંસલ કરવાના પ્રયાસ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિજ્ઞાનીઓ, હેલ્થકેર વર્કર્સ અને ભારતના લોકોને અભિનંદન.

આ સિમાચિહ્નની જાહેરાત કરતી વડાપ્રધાન મોદીની ટ્વીટના જવાબમાં WHOના વડાએ આ ટ્વીટ કરી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભારતે ઇતિહાસ રચ્યો છે. અમે ભારતીય વિજ્ઞાન, એન્ટરપ્રાઇઝ અને 130 કરોડ ભારતીયોના સામુહિક ભાવનના વિજયના સાક્ષી બન્યાં છીએ. 100 કરોડ વેક્સિનેશન્સને પાર કરવા બદલ ભારતના લોકોને અભિનંદન. ડોક્ટર્સ, નર્સ અને આ સિદ્ધી હાંસલ કરવા માટે યોગદાન કરનારા તમામ લોકોનો આભાર.

WHO સાઉથ-ઇસ્ટ એશિયાના રિજનલ ડિરેકટર પૂનમ ખેત્રપાલે સિંહે જણાવ્યું હતું કે આ જીવનરક્ષક વેક્સિન વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાના ભારતની પ્રશંસનીય પ્રતિબદ્ધતા અને પ્રયાસોના સંદર્ભમાં ભારતની પ્રગતિની મૂલવણી કરવી જોઇએ.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેના વૈશ્વિક વેક્સિન શેરિંગ પ્લેટફોર્મ (કોવેક્સ) માટે ભારત પર મોટા પાયે મદાર રાખે છે. કોવેક્સના પાર્ટનર યુનિસેફે પણ ભારતને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે આ વેક્સિન સુવિધા માટે સપ્લાયની સમયરેખા અને વોલ્યુમ અંગેની વિગત જાણવા તે આતુર છે.