પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આ વર્ષે વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટની સેન્ટર કોર્ટે 100 વર્ષ પુરા કર્યાના પ્રસંગની ઉજવણી કરાઈ હતી અને તેમાં ગુજરાતની કાપડ ઉદ્યોગની એક નામાંકિત કંપની વેલસ્પન ઈન્ડિયાનું વિશિષ્ટ પ્રદાન રહ્યું હતું.

વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં ખેલાડીઓના ઉપયોગ માટે સર્વોચ્ચ ગુણવત્તાના ખાસ ટુવાલનો ઉપયોગ થાય છે અને 35 વર્ષથી બ્રિટિશ હેરિટેજ બ્રાન્ડ ક્રિસ્ટી તેનું ઉત્પાદન કરી સ્પર્ધાના આયોજકોને તે પુરા પાડે છે. આ વર્ષે સેન્ટર કોર્ટની 100 વર્ષ પુરા થવા પ્રસંગેની ઉજવણી માટે ક્રિસ્ટી દ્વારા મર્યાદિત સંખ્યામાં ખાસ સેન્ટેનરી ટોવેલ્સ રજૂ કરાયા હતા. ગુજરાતમાં બે ઉત્પાદન સુવિધાઓ ધરાવતી વેલસ્પન ઈન્ડિયાએ 2006માં બ્રિટિશ કંપની ક્રિસ્ટી હસ્તગત કરી હતી અને એ પછી 2010થી આ વિશિષ્ટ ટુવાલનું ઉત્પાદન ગ્રેટર માન્ચેસ્ટરથી ખસેડીને ગુજરાતના વાપીમાં લઈ જવાયું હતું.

આ આઈકોનિક ટુવાલ ખેલાડીઓમાં પણ એટલા લોકપ્રિય છે કે કેટલાય મોખરાના ખેલાડીઓ તે પોતાના માટે લઈ જાય છે, તો અનેક ખેલાડીઓ પોતાના ચાહકો, પ્રેક્ષકોને પણ એ આપી દેતા હોય છે.