ઈટાલીના બેરેટીનીને ચાર સેટના લાંબા સંર્ઘષમાં હરાવી સર્બિયાના યોકોવિચે વિમ્બલ્ડન ચેમ્પિયન બનવાની હેટટ્રિક નોંધાવવા સાથે 20મું ગ્રાંડ સ્લેમ ટાઈટલ મેળવી સૌથી વધુ ગ્રાંડ સ્લેમ તાજના રેકોર્ડમાં રોજર ફેડરર અને રફેલ નાડાલની બરોબરી કરી હતી. . (Photo by Julian Finney/Getty Images)

ઈટાલીના બેરેટીનીને ચાર સેટના લાંબા સંર્ઘષમાં હરાવી સર્બિયાના યોકોવિચે વિમ્બલ્ડન ચેમ્પિયન બનવાની હેટટ્રિક નોંધાવવા સાથે 20મું ગ્રાંડ સ્લેમ ટાઈટલ મેળવી સૌથી વધુ ગ્રાંડ સ્લેમ તાજના રેકોર્ડમાં રોજર ફેડરર અને રફેલ નાડાલની બરોબરી કરી હતી. યોકોવિચ પહેલો સેટ હાર્યા પછી ૬-૭ (૪-૭), ૬-૪, ૬-૪, ૬-૩થી બાકીના ત્રણ સેટમાં વિજય મેળવી ચેમ્પિયન બન્યો હતો. ત્રણ કલાક 24 મિનિટના મુકાબલા પછી તેણે આ વર્ષનું પણ પોતાનું ત્રીજું ગ્રાંડ સ્લેમ ટાઈટલ – ઓસ્ટ્રેલિયન અને ફ્રેન્ચ ઓપન પછી વિમ્બલ્ડન મેળવ્યું હતું.
પ્રથમ સેટ હાર્યા પછી યોકોવિચે મેચ પર નિયંત્રણ મેળવી લીધું હતુ. બેરેટીનીએ કેટલાક શાનદાર સ્ટ્રોક માર્યા હતા અને યોકોવિચ પર દબાણ ઉભું કર્યું હતુ, પણ તે યોકોવિચની સર્વિસ બ્રેક કરી શક્યો નહોતો અને આખરે ચોથા સેટમાં ૬-૩થી હાર્યો હતો.

એશ્લી બાર્ટી મહિલા ચેમ્પિયન

ચેક રીપબ્લિકની કેરોલિના પ્લિસકોવાને ત્રણ સેટના ફાઈનલ જંગમાં હરાવી ઓસ્ટ્રેલિયાની સ્ટાર મહિલા ટેનિસ ખેલાડી, વર્લ્ડ નં. 1 એશ્લી બાર્ટીએ વિમ્બલ્ડન મહિલા સિંગલ્સનો તાજ હાંસલ કર્યો હતો. આ ટાઈટલ મેળવનારી તે ત્રીજી ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડી બની છે. પ્લિસકોવાને ૬-૩, ૬-૭ (૬-૭), ૬-૩થી હરાવીને બાર્ટીએ પોતાનું બીજું ગ્રાંડ સ્લેમ ટાઈટલ મેળવ્યું હતું.
ઓસ્ટ્રેલિયાની માર્ગારેટ કોર્ટ અને ઈવોન્ન ગૂલાગોંગ આ પહેલા વિમ્બલ્ડન ટાઈટલ મેળવી ચૂકી છે. ગૂલાગોંગે ૧૯૮૦માં વિમ્બલ્ડન ટાઈટલ મેળવ્યા પછી ૪૧ વર્ષના લાંબા સમય બાદ કોઈ ઓસ્ટ્રેલિયન મહિલાએ વિમ્બલ્ડન ટાઈટલ હાંસલ કર્યું છે.ફાઈનલમાં બાર્ટીએ અપેક્ષા મુજબ જ પ્રભુત્વ સાથે શરૃઆત કરી પ્રથમ સેટમાં ૬-૩થી આસાન જીત નોંધાવી હતી. એ પછી પ્લિસકોવાએ બીજા સેટમાં સંઘર્ષ કરતાં ટાઈબ્રેકરમાં વિજય મેળવી મેચ બરોબરી પર લાવી દીધી હતી. જોકે, બાર્ટીએ ત્રીજો સેટ ૬-૩થી જીતી લઈ એક કલાક ૫૬ મિનિટમાં વિમ્બલ્ડન ટાઈટલ હાંસલ કર્યું હતુ. બાર્ટી અગાઉ ૨૦૧૯માં ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની છે. બાર્ટીએ ૨૦૧૧માં જુનિયર વિમ્બલ્ડન ટાઈટલ પણ હાંસલ કર્યું હતુ. વિમ્બલ્ડનના ઈતિહાસમાં ૧૯૭૭ પછી પહેલી વખત વિમેન્સ સિંગલ્સની બંને ફાઈનલિસ્ટ અહીં પહેલીવાર ફાઈનલ રમી રહી હતી.

નીલ સ્કપસ્કી – ડેસિરે ક્રોઝિક મિક્સ્ડ ડબલ્સમાં વિજેતા

બ્રિટનના નીલ સ્કપસ્કી અને અમેરિકાની ડેસિરે ક્રોઝિક વિમ્બલ્ડન મિક્સ્ડ ડબલ્સમાં ટાઈટલ વિજેતા રહ્યા હતા. ક્રોઝિક માટે આ તેનું સતત બીજું ગ્રાંડ સ્લેમ ટાઈટલ છે, ગયા મહિને તે સેલિસબરીની સાથે ફ્રેન્ચ ઓપનમાં પણ ચેમ્પિયન બની હતી. નીલ – ક્રોઝિકે બ્રિટનના જો સેલિસબરી અને હેરિટ ડાર્ટની જોડીને સેન્ટર કોર્ટ ઉપરની ફાઈનલમાં રવિવારે 6-2, 7-6 (1) થી હરાવી હતી. 31 વર્ષના સ્કપસ્કી માટે આ તેનું પહેલું ગ્રાંડ સ્લેમ ટાઈટલ છે. તેણે પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, હું આ માની નથી શકતો. વિમ્બલ્ડન ટાઈટલ હાંસલ કરવાની લાગણી અદભૂત છે.
ક્રોઝિકે સાથી ખેલાડી બદલવા અંગે કહ્યું હતું કે, એ નિર્ણય જો સેલિસબરીએ કર્યો હતો, તે બ્રિટિશ સાથી સાથે જ જોડી જમાવવા ઈચ્છતો હતો.

બે ક્રોએશિઅન્સનો પુરૂષોના ડબલ્સના તાજનો વિક્રમ

વિમ્બલ્ડન પુરૂષોની ડબલ્સ સ્પર્ધાનો તાજ ક્રોએશિઆના નિકોલા મેક્ટિક અને મેટ પેવિકે જીતી લઈ એક નવો જ રેકોર્ડ કર્યો છે. આ ટોપ સીડેડ જોડીએ આ વર્ષે આ સાતમું પુરૂષોની ડબલ્સનું ટાઈટલ મેળવ્યું હતું અને તે સાથે વિમ્બલ્ડનમાં પુરૂષોના ડબલ્સનો તાજ હાંસલ કરનારી સૌપ્રથમ ક્રોએશિઅન જોડી બન્યાનું બહુમાન પણ મેળવ્યું હતું. તેઓએ માર્સેલ ગ્રાનોલેર્સ અને હોરાસીઓ ઝેબાલોસની જોડીને ચાર સેટના લાંબા જંગમાં 6-4, 7-6 (5), 2-6, 7-5થી હરાવી હતી. મેટ પેવિકની આ ત્રીજી ગ્રાંડ સ્લેમ ડબલ્સની ટ્રોફી છે અને વિમ્બલ્ડન ટ્રોફી કોઈ ક્રોએશિઅનને 20 વર્ષ પછી મળી છે. અગાઉ ગોરાન ઈવાનિસેવિકે હાંસલ કરી હતી.

સિએ સુ-વેઈ એલિસ મેર્ટેન્સ મહિલા ડબલ્સ ચેમ્પિયન

રશિયાની એલિના વેસ્નિના – વેરોનિકા કુદેરમેટોવાની જોડીને 3-6, 7-5, 9-7થી હરાવી ચાઈનીઝ તાઈપેઈની સિએ સુ-વેઈ તથા બેલ્જિયમની મેરટેન્સે બે ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ બચાવી આખરે વિમ્બલ્ડન મહિલા ડબલ્સનો તાજ ધારણ કર્યો હતો. મેર્ટેન્સ માટે આ તેનું બીજું ગ્રાંડ સ્લેમ ટાઈટલ હતું, અગાઉ તે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ ડબલ્સનું ટાઈટલ મેળવી ચૂકી હતી. તો તેની સાથી સુ-વેઈ માટે આ તેનું ત્રીજું વિમ્બલ્ડન તથા ચોથું ગ્રાંડ સ્લેમ ડબલ્સ ટાઈટલ છે.