પ્રતિકાત્મક ફોટો (istockphoto.com)

ભારતને આઝાદી મળ્યા બાદ પહેલીવાર કોઈ મહિલાને તેના ગુના માટે ફાંસીની સજા આપવામાં આવશે. આ માટે મથુરાની જેલમાં તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. ઉત્તરપ્રદેશના અમરોહામાં રહેનારી શબનમને મોતની સજા આપવામાં આવશે. નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવનારા પવન જલ્લાદ બે વખત ફાંસી ઘરનું નિરિક્ષણ પણ કરી ચુક્યા છે.

અમરોહામાં રહેતી શબનમ નામની મહિલાએ એપ્રિલ 2008માં પ્રેમી સાથે મળીને પોતાના જ સાત પરિવારજનોની કુહાડીથી હત્યા કરી દીધી હતી. આ મામલે નીચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી તેની ફાંસીની સજા યથાવત્ રહી છે.

કોર્ટના ચુકાદા બાદ શબનમે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરી, પરંતુ રાષ્ટ્રપતિ ભવને પણ તેની દયા અરજી ફગાવી દીધી છે. હવે આ મહિનાને ફાંસી આપવામાં આવશે તો આઝાદ ભારતના ઈતિહાસમાં આવી સજા પામનારી પ્રથમ મહિલા બનશે. ફાંસી આપવા માટે બિહારના બક્સરથી દોરડું મંગાવવામાં આવ્યું છે.

મથુરામાં મહિલાઓ માટે ફાંસીઘર આઝાદી પહેલા લગભગ 150 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં અત્યાર સુધી કોઈને ફાંસી દેવામાં નથી આવી. મથુરા જેલના અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ ફાંસીની તારીખ નક્કી નથી કરવામાં આવી અને ના કોઈ આદેશ આવ્યો છે, પરંતુ જેલ તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. ડેથ વોરંટ જાહેર થતા જ શબનમને ફાંસી આપી દેવામાં આવશે.