કાશ્મીરમાં અશાંતિ ઊભી કરવામાં સક્રીય ભૂમિકા ભજવનાર અલગાવવાદી નેતા યાસીન મલિકે ટેરર ફંડિગનો ગુનો કબૂલી લેતા તેને 19 મી મેએ સજા સંભળાવવામાં આવશે. યાસીન મલિકે પટિયાલા હાઉસ કોર્ટમાં કહ્યું હતું કે, તે પોતાના પર લાગેલા ટેરર ફન્ડિંગ, આતંકવાદી જૂથનો સભ્ય હોવાના, ષડયંત્ર રચવાના અને રાજદ્રોહના આરોપનો ઈનકાર નથી કરતો.
યાસીનની આ કબૂલાત પછી વિશેષ ન્યાયાધીશ પ્રવીણ સિંહે યાસીન મલિકની સજાના નિર્ધારણ માટે તારીખ 19 મે નક્કી કરી છે. આ સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસના અન્ય તમામ આરોપીઓ સામે ઔપચારિક આરોપો નક્કી કર્યા હતા.
યાસિન સહિત હાફિઝ સઈદ, સૈયદ સલાહુદ્દીન, શબ્બીર શાહ, મસરત આલમ જેવા અન્ય આરોપીઓ વિરૂદ્ધ આરોપો નક્કી કરવાનો આદેશ અપાયો હતો. NIAના રીપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના સહયોગથી લશ્કર-એ-તૈયબા, હિજબુલ મુજાહિદ્દીન, JKLF, જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોએ જમ્મુ કાશ્મીરમાં સામાન્ય નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલા અને હિંસા આચરી હતી.
NIAના જણાવ્યા પ્રમાણે હાફિઝ સઈદે હુર્રિયત કોન્ફરન્સના નેતાઓ સાથે મળીને હવાલા અને અન્ય ચેનલ્સ દ્વારા આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે નાણાની લેવડ-દેવડ કરી હતી અને તે ભંડોળનો ઉપયોગ કાશ્મીર ઘાટીમાં અશાંતિ ફેલાવવા, સુરક્ષા દળો પર હુમલો કરવા, શાળાઓમાં આગ ચાંપવા અને જાહેર સંપત્તિઓને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યો.