સંજય દત્તની મુખ્ય ભૂમિકા ધરાવતી આ નવી ફિલ્મ ‘ધ ભૂતની’ તાજેતરમાં રીલીઝ થઇ છે. આ એક એવી ફિલ્મ છે જેમાં દર્શકોને હોરર, એક્શન અને કોમેડીનું મિશ્રણ કરીને એક નવો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સંજય દત્ત સાથે મૌની રોય, પલક તિવારી અને સની સિંહ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મૌની રોય આ ફિલ્મમાં ભૂતના પાત્રમાં જોવા મળશે. ફિલ્મની કહાની એક કોલેજથી શરૂ થાય છે, જ્યાં વર્જિન ટ્રી નામનું એક વૃક્ષ છે. દર વર્ષે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડેના દિવસે વિદ્યાર્થીઓ આ વૃક્ષ પાસે આવે છે અને તેમનો અધૂરો પ્રેમ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરે છે. જોકે, કેટલાક લોકો આ વૃક્ષને શાપિત માને છે. કારણ કે એવી માન્યતા છે કે તેના કારણે ઘણા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ વૃક્ષ પાસે, એક જેનું દિલ તૂટી ગયું છે તેવા શાંતનુ (સન્ની સિંહ)એ તેના અધૂરા પ્રેમની પીડા વર્ણવી હતી. અહીંથી ‘મહોબ્બત’ (મૌની રોય) તેના જીવનમાં ભૂકંપની જેમ પ્રવેશ કરે છે. પછી તેના જીવનમાં ઘોસ્ટ હંટર કૃષ્ણ ત્રિપાઠી (સંજય દત્ત)નું આગમન થાય છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મમાં વિજ્ઞાન, ધર્મ, આત્મા અને પ્રેમ-લાગણી જેવા પાસાં એકસાથે જોવા મળે છે.
આ ફિલ્મના લેખક-દિગ્દર્શક સિદ્ધાંત સચદેવે હોરર-કોમેડી ટ્રેન્ડનો લાભ લેવાનો પ્રયાસ કર્યો છે. જોકે, વાર્તા અને પટકથામાં ઘણી ખામીઓ જોવા મળી છે, જેને તેમણે કોમેડી અને સંજય દત્તના સ્ટારડમથી ભરવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મના પ્રથમ ભાગમાં કેટલાક દૃશ્યો બળજબરીથી ઉમેરવામાં આવ્યા હોય તેવું લાગે છે, પરંતુ ઇન્ટરવલ પછી ફિલ્મ ગતિ પકડે છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંગીત અમર મોહિલેનું છે, પરંતુ કોઇ ગીત અસરદાર નથી.
