ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સાંજે 5 કલાકથી યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે મીડિયા સમક્ષ ખાસ જાહેરાત કરતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, બંને દેશો યુદ્ધવિરામ માટે સહમતી દર્શાવી છે. આ દરમિયાન કોઈ પણ દેશ એકબીજા પર હુમલો નહીં કરે. મિસરીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે બપોરે 3.35 કલાકે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) દ્વારા ભારતના DGMO ફોન કરીને યુદ્ધ વિરામનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, જેને ભારતે સ્વીકાર્યો હતો. હવે આગળની કાર્યવાહી અંગે બંને દેશોના DGMO 12 તારીખે બપોરે 12 વાગ્યે ચર્ચા કરશે.
આ યુદ્ધવિરામ માટે અમેરિકાએ મધ્યસ્થી કરી હોવાની માહિતી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાંજે 5:30 વાગ્યે ટ્વીટ કરીને આપી હતી, જોકે આ અંગે ભારતે કોઇ સ્પષ્ટતા કરી નથી. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અને હું પોતે છેલ્લા 48 કલાકથી ભારત-પાકિસ્તાનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શાહબાઝ શરીફ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે વાત કરી રહ્યા હતા. બંને દેશોએ બુદ્ધિપૂર્વક અને સમજણભર્યો નિર્ણય લીધો હતો.
