(ANI Photo)

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જે ડી વેન્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘કઠોર વિષ્ટિકાર’ ગણાવી જણાવ્યું હતું કે ભારત સાથે ટૂંક સમયમાં વેપાર કરાર થવાની ધારણા છે. ભારત વેપાર કરાર કરનારા પ્રથમ દેશોમાં સામેલ થઈ શકે છે. વેન્સે ભારત સામે લાંબા સમય સુધી અમેરિકાનો લાભ લેવાનો પણ આક્ષેપ કર્યો હતો.

ફોક્સ ન્યૂઝને ગુરુવારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં વેન્સે જણાવ્યું હતું કે ટેરિફના મુદ્દે ભારત સાથે હાલમાં સારી વાટાઘાટો ચાલી રહી છે. ટ્રમ્પની ઊંચી ટેરિફ ટાળવા માટે ભારત સહિત ઘણા દેશો અમેરિકા સાથે હાલમાં મંત્રણા કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી કઠોર વિષ્ટિકાર છે, પરંતુ અમે તે સંબંધોને પુનઃસંતુલિત કરી રહ્યાં છીએ. તેથી પ્રેસિડન્ટ ટ્રમ્પ જરૂરી પગલાં લઈ રહ્યાં છે.

અમેરિકા સાથે ભારત સૌ પ્રથમ કરાર કરશે કે નહીં તેવા સવાલના જવાબમાં વેન્સે જણાવ્યું હતું કે મને ખબર નથી કે આ પહેલી સમજૂતી હશે કે નહીં, પરંતુ તે ચોક્કસપણે પહેલા સોદાઓમાંનો એક હશે. જાપાન, કોરિયા સાથે વાટાઘાટો ચાલી રહી છે. યુરોપમાં કેટલાંક લોકો સાથે વાટાઘાટો ચાલી રહી છે અને દેખીતી રીતે ભારત સાથે અમારી સારી વાટાઘાટો ચાલી રહી છે.

અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે 2 એપ્રિલે ભારત અને ચીન સહિત અનેક દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જોકે 9 એપ્રિલે તેમણે આ વર્ષે 9 જુલાઈ સુધી આ ટેરિફ 90 દિવસ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. જોકે ચીન અને હોંગકોંગને તેમાં બાકાત રખાયા છે. ટ્રમ્પે ટેરિફની જાહેરાત કર્યા પછી વેપાર સોદા માટે 75 દેશોએ અમેરિકાનો સંપર્ક કર્યો છે.

વેન્સે જણાવ્યું હતું કે અમારા ખેડૂતો માટે ભારતનું બજાર લગભગ બંધ છે. અમે અમેરિકાની ટેકનોલોજી, કૃષિ પેદાશો માટે ભારતનું બજાર ખોલવામાં આવે તેવું ઇચ્છીએ છીએ.

LEAVE A REPLY