મલેશિયામાં ગયા સપ્તાહે રમાયેલી બેડમિંટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ્સની મહિલા ફાઈનલ્સ રવિવારે રમાઈ હતી, જેમાં ભારતીય ખેલાડીઓએ થાઈલેન્ડને 3-2થી હરાવી પ્રથમવાર આ ટાઈટલ હાંસલ કરી ઈતિહાસ સર્જ્યો હતો.
ગોલ્ડ મેડલ હાંસલ કરનારી આ ટીમના વિજેતા ખેલાડીઓમાં માં પી. વી. સિંધુ, ગાયત્રી ગોપીચંદ, ત્રિશા જોલી તથા અનમોલ ખરબનો સમાવેશ થાય છે. ગ્રુપ સ્ટેજમાં જ ભારતે ટોપ રેન્કિંગ ધરાવતા ચીનને હરાવી ટોચનું સ્થાન લીધું હતું. ફાઈનલના પ્રથમ મુકાબલામાં પી. વી. સિંધુએ સીધા સેટ્સમાં થાઈલેન્ડની સુપાનિદાને ફક્ત 39 મિનિટમાં 21-12, 21-12થી હરાવી હતી.
ડબલ્સમાં ગાયત્રી ગોપીચંદ અને ત્રિશાનો મુકાબલો થોડો સંઘર્ષપૂર્ણ રહ્યો હતો અને ત્રણ સેટ સુધી લંબાયો હતો. વધુ એક સિંગલ્સ અને બીજા ડબલ્સ મુકાબલામાં ભારતીય ખેલાડીઓનો પરાજય થયો હતો અને નિર્ણાયક બની ગયેલી અંતિમ મેચમાં ફક્ત 16 વર્ષની અનમોલ ખરબે વિજય હાંસલ કર્યો હતો.