(Photo by BRENDAN SMIALOWSKI/AFP via Getty Images)

એશિયા પેસિસિફ વિસ્તારમાં પ્રભાવ ઊભો કરતાં સૌથી વધુ શક્તિશાળી દેશ તરીકે અમેરિકાએ તેનું સ્થાન જાળવી રાખ્યું છે, પરંતુ હાલમાં બીજા ક્રમે રહેલું ચીન તેના પ્રભાવમાં સતત વધારો કરી રહ્યું છે. સૌથી શક્તિશાળી દેશોની આ યાદીમાં ત્રીજા ક્રમે જાપાન અને ચોથા નંબરે ભારત છે, એમ સિડની સ્થિત લોવી ઇન્સ્ટીટ્યૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2020માં જણાવાયું છે. આ ઇન્ડેક્સમાં 26 દેશોને ક્રમ આપવામાં આવે છે.

આ વિસ્તારમાં ટોચના સુપરપાવર તરીકે અમેરિકાએ તેનું સ્થાન જાળવી રાખ્યું છે, પરંતુ ચીન કરતાં તેની 10 પોઇન્ટ્સની સરસાઈ હવે અડધી થઈ ગઈ છે. આ ઈન્ડેક્સમાં દરેક દેશને તેના પ્રભાવ પ્રમાણે 100માંથી માર્ક આપવામાં આવે છે. એ પ્રમાણે અમેરિકાને 81.6, ચીનને 76.1, જાપાનને 41 અને ભારતને 39.7 પોઈન્ટ મળ્યા છે. કોઈ દેશના પોઈન્ટ 40 કરતા ઓછા હોય તો તેનો સમાવેશ નબળા રાષ્ટ્રમાં કરવામાં આવે છે. એ હિસાબે લિસ્ટમાં ભારત ચીન કરતાં ક્યાંક નબળું રાષ્ટ્ર છે.

પાકિસ્તાન માંડ 15.2 પોઈન્ટ સાથે 26 દેશોના લિસ્ટમાં 15મા ક્રમે છે. એ રીતે બાંગ્લાદેશ 18મા, શ્રીલંકા 21મા અને નેપાળ 25મા ક્રમે છે. લિસ્ટમાં સુપર પાવર, મેજર પાવર, મિડલ પાવર અને માઈનોર પાવર એમ ચાર કેટેગરી છે. અમેરિકા-ચીન બન્ને સુપર પાવરમાં જ્યારે, જાપાન મેજર પાવરમાં સ્થાન ધરાવે છે. ભારતનો સમાવેશ મિડલ પાવર ધરાવતા સંખ્યાબંધ દેશો સાથે થાય છે.

આ રિપોર્ટમાં કહેવાયું છે કે ચીન હવે અમેરિકાને મજબૂત હરિફાઈ પુરી પાડી રહ્યું છે. અમેરિકાનું અર્થતંત્ર અત્યારે કોરોનાનો માર સહન કરી રહ્યું છે અને તેને બેઠું થતાં 2024 સુધીનો સમય લાગશે. આ સમયગાળા સુધી ચીન ઘણુ આગળ નીકળી ગયું હશે. ભારતની મહાસત્તા બનવાની ઈચ્છા પણ કોરોનાને કારણે ધીમી પડી છે અને આગામી કેટલાક વર્ષો સુધી તેમાં ઝડપ આવે એવી શક્યતા નથી.
દેશોની આર્થિક સ્થિતિ, આંતરીક સુરક્ષા, અન્ય દેશો સાથેના સબંધો, સંરક્ષણ પાછળ ખર્ચ, ભવિષ્યના આયોજનો વગેરે જેવા 128 માપદંડોના આધારે આ રિપોર્ટ તૈયાર થાય છે. એ જાણીતી વાત છે કે કોરાના સામેની લડાઈમાં ભારત સરકારની અણઆવડત ખુલ્લી પડી ચૂકી છે. સરકાર પાસે કોઈ મહામારી સામે લડવાનું કોઈ આયોજન ન હતું. તેના કારણે ભારતને અનેક મોરચે ફટકો પડયો છે.