બ્રિટિશ વડાપ્રધાન રિશિ સુનકે શુક્રવારે સાંજે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે ટેલિફોન પર ચર્ચા કરીને ભારત-કેનેડા વચ્ચેના વિવાદને ઘટાડવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બંને દેશો વચ્ચે ચર્ચાથી રાજદ્વારી વિવાદો ઘટશે.

બ્રિટિશ ઇન્ડિયન વડાપ્રધાન અને ટ્રુડોએ ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓ અંગેની પરિસ્થિતિ ચર્ચા કરી હતી. સુનકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તમામ દેશોએ રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનના નિયમો સહિત સાર્વભૌમત્વ અને કાયદાનું સન્માન કરવું જોઈએ. આ સાથે તેમણે આશા વ્યક્ત કરી કે ભારત-કેનેડા વિવાદ ઓછો થશે.
સુનક એ બાબતે પણ સહમત થયા હતા કે તેઓ કેનેડાને તેના આગળની કાર્યવાહીમાં સમર્થન આપશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આક્ષેપ કર્યો હતો કે, બ્રિટિશ કોલંબિયાના સરેમાં ખાલિસ્તાની ત્રાસવાદી નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટ સામેલ હતા. ટ્રુડોના આ નિવેદન પછી ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતે આ આક્ષેપોને પાયાવિહોણા અને રાજકીય પ્રેરિત ગણાવીને તેને સંપૂર્ણપણે ફગાવ્યા હતા. ઇન્ડિયન હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને તાજેતરમાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓએ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ગુરુદ્વારાની મુલાકાત લેતા અટકાવ્યા હતા ત્યારે બ્રિટનમાં આ રાજદ્વારી વિવાદ બહાર આવ્યો હતો.
વડાપ્રધાન સુનકે કહ્યું હતું કે, દોરાઈસ્વામીને ગુરુદ્વારા કમિટિ સાથે મીટિંગ કરતા રોકવામાં આવ્યા તે જોઈને તેઓ નારાજ થયા હતા. એ જ સમયે, ફોરેન ઓફિસ પ્રધાન એની મેરી ટ્રેવેલિયને કહ્યું કે, વિદેશી રાજદ્વારીઓની સુરક્ષા મહત્વપૂર્ણ છે અને બ્રિટનમાં ધાર્મિક સ્થાનો બધા માટે ખુલ્લા હોવા જોઈએ.

LEAVE A REPLY

3 × four =