(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે મંગળવાર, 30મેએ નવ વર્ષ પૂર્ણ કર્યા હતા. મોદીએ તેને નવ વર્ષની સેવા ગણાવતા કહ્યું હતું કે છેલ્લા નવ વર્ષમાં લેવાયેલા દરેક નિર્ણયનો હેતુ લોકોના જીવનમાં સુધારો લાવવાનો હતો અને વિકસિત ભારતના નિર્માણ માટે અમે વધુ મહેનત કરતા રહીશું.

નરેન્દ્ર મોદીએ ૩૦મી મે ૨૦૧૪ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાં હતાં. મોદી સરકારના આ નવ વર્ષ દરમિયાન કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ની નાબૂદી, નોટબંધી, પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇકલ વગેરેનો સમાવેશ થાય છે. ૮ નવેમ્બર ૨૦૧૬એ મોદી સરકારે નોટબંધી લાગુ કરી હતી. ૨૦૧૬માં જ ઉરીમાં આતંકીઓ દ્વારા સૈન્ય કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સૈન્યના ૧૯ જવાન શહીદ થયા હતા. આ હુમલાનો જવાબ ભારતે ૧૦ દિવસની અંદર આપ્યો હતો અને ભારતીય એરફોર્સની ટીમ એલઓસી પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસી હતી અને સર્જિકલ સ્ટ્રાઇક કરીને પરત આવી ગઇ હતી.

મોદી સરકારની પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના પણ ચર્ચાનો વિષય રહી છે. સરકારના દાવા મુજબ છેલ્લા નવ વર્ષમાં ગરીબ પરિવારોને ૧૭ કરોડ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ પર પણ કામ કર્યું છે. અનેક નવા રોડ બનાવવામાં આવ્યા જેના પરીણામે ભારત વિશ્વનો સૌથી મોટો રોડ નેટવર્ક ધરાવનારો દેશ બન્યો અને આ નેટવર્ક ૬૩.૭૩ લાખ કિમી હોવાનો દાવો સરકારે કર્યો હતો.

૨૦૨૦માં કોરોના મહામારીમાંથી દેશ પસાર થયો હતો. સરકારે દાવો કર્યો હતો કે કોરોનાની પ્રથમ લહેર સમયે અમે નાગરિકોને બચાવવાનો પ્રયાસ કર્યો જ્યારે બીજા લહેર સમયે અર્થવ્યવસ્થાને બચાવવામાં આવી. દેશભરમાં લોકડાઉન પણ લાગુ કરાયું, જોકે આ દરમિયાન મજૂરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો.

LEAVE A REPLY