ભારતની જેમ પાકિસ્તાનમાં રાજકારણમાં પરિવારવાદ એક વાસ્તવિકતા બની છે. પાકિસ્તાનમાં પ્રેસિડન્ટ આસિફ અલી ઝરદારી અને દિવંગત ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની સૌથી નાની પુત્રી આસિફા સંસદસભ્ય તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં પછી એક જ પરિવારના સૌથી વધુ સાંસદો-ધારાસભ્યોનો રેકોર્ડ બનાવીને ઝરદારી પરિવારે શરીફ પરિવારને પાછળ છોડી દીધો હતો.
પાકિસ્તાની સંસદ અને અને પ્રાંતીય વિધાનસભામાં ઝરદારી પરિવારના સંસદસભ્ય કે ધારાસભ્યોની સંખ્યા વધી છ થઈ છે. અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં મોટાભાગના સમયગાળામાં આ બંને પરિવારોનું શાસન રહ્યું છે.
આસિફ અલી ઝરદારી પોતે દેશના પ્રેસિડન્ટ છે. તેમની પુત્રી અસીફા, પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારી અને જમાઈ મુનાવર અલી તાલપુર નેશનલ એસેમ્બલીના સભ્ય છે, જ્યારે બંને બહેનો ફરયલ તાલપુર અને અઝરા પેચુહો સિંધમાં પ્રાંતીય વિધાનસભાના સભ્ય છે.
આસિફા દેશની ફર્સ્ટ લેડી બનશે. તેને આગામી મહિને યોજાનારી પેટાચૂંટણી માટે સિંધ પ્રાંતના શહીદ બેનઝીરાબાદ (અગાઉ નવાબશાહ) વિસ્તારમાંથી નેશનલ એસેમ્બલી સીટ NA-207 માટે ઉમેદવારી નોંધાવી હતી. આસીફાની સામે ઉમેદવારીપત્ર દાખલ કરનારા ત્રણ ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા પછી અસીફા બિનહરીફ ચૂંટાઈ આવી હતી.
તેમના પિતા આસિફ અલી ઝરદારી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા બાદ તેમણે આ બેઠક ખાલી કરી હતી.
બીજી તરફ વડા પ્રધાન શાહબાઝ શરીફના મોટા ભાઈ નવાઝ શરીફ અને તેમના પુત્ર હમઝા શહબાઝ શરીફ નેશનલ એસેમ્બ્લીમાં ચૂંટાયા છે, જ્યારે તેમની ભત્રીજી મરિયમ નવાઝ શરીફ પંજાબના મુખ્યપ્રધાન છે.