કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારતીય મૂળના અનિતા આનંદને કેનેડાના નવા વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ કેનેડાના સંરક્ષણ પ્રધાન સહિતની ભૂમિકાઓ સંભાળનારા અનિતા આનંદે આ હોદ્દા પર મેલાની જોલીનું સ્થાન લીધું છે. જોલીને ઉદ્યોગ પ્રધાનની ભૂમિકા સોંપવામાં આવી હતી.
કેનેડાની લિબરલ પાર્ટીના વરિષ્ઠ સભ્ય 58 વર્ષના અનિતા આનંદે હિન્દુ ધર્મગ્રંથ ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધાં હતા, જે પરંપરા તેમણે અગાઉની કેબિનેટ નિમણૂકોમાં પણ અનુસરી હતી.
વડા પ્રધાન કાર્ને તેમના નવા ચૂંટાયેલા લિબરલ પ્રધાનમંડળનું પુનર્ગઠન કર્યું હતું. કેબિનેટમાં 28 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. કાર્નીએ જણાવ્યું હતું કે કેનેડા-યુએસના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે “કેનેડિયનો ઇચ્છે છે તેવા જરૂરી પરિવર્તન લાવવા” માટે કેબિનેટની પસંદગી કરાઈ છે.
અનિતા આનંદ 2025ની ફેડરલ ચૂંટણી જીત્યા બાદ હાઉસ ઓફ કોમન્સમાં ઓકવિલ ઇસ્ટ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે અગાઉ 2019થી 2025 સુધી હાઉસ ઓફ કોમન્સમાં ઓકવિલનું પ્રતિનિધિત્વ કર્યું છે તથા જાહેર સેવાઓ, રાષ્ટ્રીય સંરક્ષણ, પરિવહન અને આંતરિક વેપાર મંત્રી અને ટ્રેઝરી બોર્ડના પ્રમુખ સહિત અનેક મુખ્ય વિભાગો સંભાળ્યા છે.
આનંદનો જન્મ 20મે, 1967ના રોજ નોવા સ્કોટીયાના કેન્ટવિલેમાં થયો હતો. તેમના માતાપિતા સરોજ ડી રામ અને એસ.વી. આનંદ ભારતીય ઇમિગ્રન્ટ ડોક્ટર હતાં, જેઓ 1960ના દાયકાની શરૂઆતમાં ભારતથી કેનેડા ગયા હતા. તેમની માતા પંજાબની છે અને પિતા તમિલનાડુના છે. તેમને બે બહેનો છે, ગીતા અને સોનિયા. અનિતા આનંદે ૧૯૯૫માં કેનેડિયન વકીલ અને બિઝનેસ એક્ઝિક્યુટિવ જોન નોલ્ટન સાથે લગ્ન કર્યા હતાં. તેમના ચાર બાળકો છે અને તેઓ ઓકવિલેમાં રહે છે. ૨૦૧૯માં તેઓ કેનેડાના ફેડરલ કેબિનેટમાં સેવા આપનારા પ્રથમ હિન્દુ બન્યા હતાં.
