ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સશસ્ત્ર સંઘર્ષ બાદ નાગરિક ઉડાન સંચાલન માટે બંધ કરાયેલા 32 એરપોર્ટને નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ ફરીથી ખોલવાનો સોમવાર, 12મેએ નિર્ણય કર્યો હતો. મુંબઈ ફ્લાઇટ ઇન્ફર્મેશન રિજન હેઠળના ગુજરાતના મુન્દ્રા, જામનગર, રાજકોટ, પોરબંદર, કંડલા, કેશોદ અને ભૂજ જેવા એરપોર્ટ ફરીથી ખોલવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત શ્રીનગર, જમ્મુ, હિંડોન, સરસાવા, ઉત્તરલાઈ, અવંતિપુર, અંબાલા, કુલ્લુ, લુધિયાણા, કિશનગઢ, પટિયાલા, શિમલા, કાંગડા, ભટિંડા, જેસલમેર, જોધપુર, બિકાનેર, હલવારા, પઠાણકોટ, લેહ જેવા એરપોર્ટ અને ચંદીગઢ એરપોર્ટને ફરીથી ખોલવામાં આવ્યાં હતાં.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી ગતિરોધને કારણે 9મે થી 15મે સુધી શ્રીનગર અને અમૃતસર સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટ પરથી નાગરિક ઉડાન કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ અન્ય ઉડ્ડયન સત્તાવાળાઓ સાથે મળીને એરમેનને નોટિસ (NOTAMs) જારી કરી હતી, જેમાં ઉત્તર અને પશ્ચિમ ભારતના 32 એરપોર્ટને તમામ નાગરિક ઉડાન કામગીરી માટે કામચલાઉ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી.
