પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂરની સફળતા બિરદાવવા માટે મંગળવાર, 13મેએ અમદાવાદમાં દોઢ કિમી લાંબી ત્રિરંગા પદયાત્રા યોજાઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ શહેરના વ્યાસવાડી ચાર રસ્તાથી ત્રિરંગા યાત્રાને લીલીઝંડી આપી હતી અને તેમાં જોડાયા હતાં. યાત્રાનું સમાન સુભાષચંદ્ર બોઝ સર્કલ ખાતે સમાપન થયું હતું. આ તિરંગા યાત્રામાં પ્રધાન જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદો, સ્થાનિક ધારાસભ્યો, સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
ભારત માતા અને અને તિરંગાને ઇન્ડિયન આર્મીએ અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર કરોડો ભારતવાસીઓની ભાવનાનું પ્રતિબિંબ છે. આ આતંકવાદ સામે ભારતની લડાઈની એક જ્વલંત સફળતા છે. પાકિસ્તાન પ્રેરિત આતંકીઓ અને તેમના આકાઓને તેમની જ જમીન પર ધૂળ ચાટતા કરીને ભારતે પહલગામ આંતકવાદી હુમલાનો બદલો લીધો છે. સમગ્ર વિશ્વ ભારતના સૈન્ય અને એરફોર્સની ક્ષમતા અને બહાદુરીથી અચંબિત થયું છે. આપણા સૈન્યએ તિરંગાનું ગૌરવ અને સન્માન વધાર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કહે છે કે, તિરંગો દેશના લોકોને એક સાથે જોડે છે. આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવને જાળવી રાખતો ખૂબ મહત્વનો અવસર છે.
