વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલાના ભારતના વળતા જવાબની પદ્ધતિ, ટાર્ગેટ અને સમય નક્કી કરવા માટે સશસ્ત્ર દળોને “સંપૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા” છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ત્રણેય લશ્કરી દળોના વડાઓ ઉપસ્થિતિ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન, મોદીએ જણાવ્યું હતું કે આતંકવાદને કારમો ફટકો મારવાનો રાષ્ટ્રીય સંકલ્પ છે.મોદીએ સશસ્ત્ર દળોની ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમને આપણા વળતાં જવાબના મોડ, લક્ષ્યો અને સમય નક્કી કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ પણ આ બેઠકમાં હાજર હતાં. આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતના વળતાં પગલાં માટેના વિકલ્પોની વિચારણા કરાઈ હોવાનું માનવામાં આવે છે.
મોદીએ હુમલા પાછળના આતંકવાદીઓ અને તેમના સમર્થકોનો પીછો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ભૂતકાળમાં, મોદી સરકારે 2016માં ઉરીમાં સૈનિકો પર થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. પુલવામામાં CRPF જવાનોની હત્યા પછી પણ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરાઈ હતી.
