પહેલગામમાં થયેલા ભીષણ ત્રાસવાદી હુમલાના વિરોધમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે રવિવારે (27 એપ્રિલ) વિશ્વના વિવિધ દેશોમાં ભારતીય સમુદાયના લોકોએ આ કાયરતાપુર્ણ હુમલાના વિરોધમાં વ્યાપક દેખાવો કર્યા હતા. આ દેખાવો કેનેડા, ડેન્માર્ક, અમેરિકા, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ ફિનલેન્ડ, જર્મની અને સ્પેનમાં યોજાયા હતાં. દેખાવોમાં ભાગ લઈ રહેલા લોકોએ ભારતના સમર્થનમાં સૂત્રો લખેલા પ્લેકાર્ડ્સ હાથમાં રાખીને પાકિસ્તાન વિરોધી સૂત્રો પોકાર્યા હતાં અને ભારતીય ધ્વજ લહેરાવી હુમલાના પીડિતો માટે ન્યાયની માગણી કરી હતી.
એક દેખાવકારે હાથમાં રાખેલા પ્લેકાર્ડમાં લખ્યુ હતું કે ભારત અમે તમારી પડખે છીએ. પેરિસમાં એક દેખાવકારે જણાવ્યું હતું કે, પાકિસ્તાને ઘણા બધા ત્રાસવાદી હુમલા કર્યા છે, આપણે પુલવામા હુમલો જોયો છે, 26/11 (મુંબઈ) હુમલો જોયો છે અને હવે આ પહેલગામ હુમલો. અમે કોઇ ધર્મ કે રાજકીય પાર્ટીનું પ્રતિનિધિત્વ નથી કરતા. અમે માત્ર પાકિસ્તાનને અમારો સંદેશ મોકલવા માગીએ છીએ. લંડન સ્થિત એક દેખાવકારે જણાવ્યું હતું કે અમે અહીં ત્રાસવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે અમારું સમર્થન અને સંવેદના વ્યક્ત કરવા આવ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે ભારત સરકાર પાકિસ્તાનને તે સમજે તેવી ભાષામાં જ જવાબ આપશે.
અમેરિકામાં આયોજીત દેખાવોમાં ભાગ લેનારા એક મહિલાએ 1990માં કાશ્મીર ખીણમાં થયેલા કાશ્મીરી પંડિતોના નરસંહારની યાદ કરતાં જણાવ્યુ હતું કે હું ત્યાં રહી ચૂકી છું. તેમણે કહ્યું હતું કે અમને અમારા ધર્મને કારણે નિશાન બનાવાયા હતા. મારા દાદાની ગોળી હત્યા થઈ હતી. કારશ્મીરમાં અમને નિશાન બનાવાયા હતાં કારણ કે અમે હિન્દુ હતા. 22 એપ્રિલની તારીખ અઢળક દુઃસ્વપ્નો લાવી હતી.
