ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો ૧૬મો વસ્તી અંદાજ-૨૦૨૫ આજ તા.૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં શરૂ થયો છે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ તા.૧૦ થી ૧૧ મે અને આખરી વસ્તી અંદાજ તા.૧૨ થી ૧૩ મેના રોજ હાથ ધરાશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહના અસ્તિત્વ ધરાવતા જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરાશે.
રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રયસ્થાનરૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ ૧૯૯૫માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ ૩૦૪ જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ ૨૦૦૧માં કુલ ૩૨૭, વર્ષ ૨૦૦૫માં કુલ ૩૫૯, વર્ષ ૨૦૧૦માં કુલ ૪૧૧, વર્ષ ૨૦૧૫માં કુલ ૫૨૩ અને છેલ્લે વર્ષ ૨૦૨૦માં કુલ ૬૭૪ જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.
