ભારતે પાકિસ્તાનના ત્રાસવાદ વિરુદ્ધ શરૂ કરેલા ઓપરેશન સિંદૂરને વિશ્વભરમાંથી સમર્થન મળી રહ્યું છે. વૈશ્વિક નેતાઓ અને અનેક મહાસત્તાઓએ ભારતની ત્રાસવાદ સામેની લડાઇને ટેકો જાહેર કર્યો હતો.
યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન રિશિ સુનકે સોશિયલ મીડિયા-એક્સ (ટ્વિટર) પર જણાવ્યું હતું કે, ‘કોઇપણ દેશે તેની સામે અન્ય દેશની ધરતી પરથી થયેલા ત્રાસવાદી હુમલાઓને ક્યારેય સ્વીકારવો જોઇએ નહીં. ભારતે ત્રાસવાદી સ્થાનો પર હુમલો કર્યો તે યોગ્ય છે. ત્રાસવાદીઓને કોઇપણ પ્રકારની સજામાંથી છૂટછાટ મળવી જોઇએ નહીં.’ યુકેનાં એમપી પ્રીતિ પટેલે હુમલાના સમર્થનમાં જણાવ્યું હતું કે, ભારતને પોતાનો બચાવ કરવાનો અને પોતાના માટે જોખમી ત્રાસવાદી માળખાને તોડવા માટે યોગ્ય પગલાં લેવાનો અધિકાર છે. યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ ભારત-પાકિસ્તાનને ‘સંયમ રાખવા અને ઝડપથી રાજદ્વારી સમાધાન શોધવા માટે સીધી ચર્ચા કરવા માટે’ વિનંતી કરી હતી. તેમણે 22 એપ્રિલના પહેલગામના ત્રાસવાદી હુમલાને ફરીથી વખોડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘ભારત-પાકિસ્તાન વચ્ચેનો અત્યારનો તણાવ ગંભીર ચિંતાનો વિષય છે. યુકેના બંને દેશો સાથે ગાઢ અને અનોખા સંબંધો છે. મેં ભારત અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનોને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, જો આ ઘર્ષણ વધશે તો કોઈ જીતશે નહીં.’
ફ્રાન્સના વિદેશ પ્રધાન જીન-નોએલ બેરોટે જણાવ્યું હતું કે, અમે પહેલગામના ત્રાસવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડીએ છીએ. યુનાઇટેડ નેશન્સ સીક્યુરિટી કાઉન્સિલના નિવેદનને સમર્થન આપવાના પોતાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, ‘હું ગત અઠવાડિયે ન્યૂયોર્કમાં પણ આ ત્રાસવાદી હુમલાને વખોડતા કાઉન્સિલના નિવેદનને સમર્થન આપવામાં હાજર હતો. અમે ત્રાસવાદના સંકટ સામે પોતાને બચાવવાની ભારતની ઇચ્છાને સમજીએ છીએ, પરંતુ અમે સ્પષ્ટ રીતે બંને દેશોને સંયમ રાખવા અનુરોધ કરીએ છીએ જેથી, ઘર્ષણ ન વધે અને નાગરિકોનું રક્ષણ કરી શકે.’
ભારતમાં ઇઝરાયલના એમ્બેસેડર રુવેન અઝરે જણાવ્યું હતું કે, ઇઝરાયલ ભારતના સ્વ-બચાવના અધિકારના સમર્થનમાં છે. ત્રાસવાદીઓએ સમજવું જોઈએ કે નિર્દોષો સામેના તેમના જઘન્ય કૃત્યોથી છુપાવવા માટે કોઈ સ્થાન નથી.
નેધરલેન્ડ્સના સાંસદ ગીર્ટ વાઇલ્ડર્સે ટ્વિટર (એક્સ) પર, કાશ્મીર 100 ટકા ભારતીયોનું હોવાનું જણાવીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયામાં પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સ્વીકાર્યું હતું.
ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી થાનેદારે કહ્યું કે, ત્રાસવાદ સહન કરી શકાય નહીં અને તેને સજા આપ્યા વગર મુક્ત કરી શકાય નહીં. ભારતને તેના લોકોની સુરક્ષા કરવાનો અધિકાર છે. તેમણે આ ઉગ્રવાદીઓના નેટવર્કને તોડવાના ભારતના પ્રયાસોને મજબૂત સમર્થન જાહેર કર્યું હતું.
યુએસ કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ ત્રાસવાદનો સામનો કરવાની અને ભવિષ્યમાં થતી આવી હિંસાને રોકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
