ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ તાજેતરમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા ત્રાસવાદી ગ્રુપો સાથે પાકિસ્તાનના છૂપા સંબંધોનો પર્દાફાશ કર્યો હતો. ગુરુવારે દિલ્હીમાં ઓપરેશન સિંદૂર અંગે મીડિયાને માહિતી આપતા, તેમણે પાકિસ્તાનને પ્રશ્ન કર્યો હતો કે, સેનાના અધિકારીઓની હાજરીમાં મૃત ત્રાસવાદીઓની અંતિમ વિધિ રાજકીય સન્માન સાથે શા માટે કરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનમાં એ બાબત પણ વિચિત્ર છે કે નાગરિકોના અંતિમ સંસ્કાર દેશના ધ્વજમાં લપેટાયેલી શબપેટીઓ અને રાજકીય સન્માન સાથે કરવામાં આવે છે. જ્યાં સુધી ભારત સાથે આ વાત સંબંધિત છે ત્યાં સુધી ત્યાં મૃત્યુ પામેલા લોકો ત્રાસવાદીઓ હતા. ત્રાસવાદીઓને અંતિમ વિધિમાં રાજકીય સન્માન આપવાની પરંપરા પાકિસ્તાનમાં હોય શકે છે, જે આ અમને બહુ સમજાતું નથી.’ તેમણે એક ફોટો દર્શાવીને જણાવ્યું હતું કે, જેને અમેરિકાએ વૈશ્વિક ત્રાસવાદી જાહેર કર્યો હતો તે લશ્કર-એ-તૈયબાના ઉચ્ચ કમાન્ડર હાફિઝ અબ્દુલ રૌફના નેતૃત્વમાં, ભારતીય હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે અંતિમ વિધિની નમાઝ પઢવામાં આવી હતી. રૌફ, લશ્કર-એ-તૈયબાના ત્રાસવાદી હુમલાઓમાં સંકળાયેલો હતો, જેમાં 2008ના મુંબઈ ત્રાસવાદી હુમલા જેવા અનેક ઉચ્ચ કક્ષા હુમલાનો સમાવેશ થાય છે, જેમાં 166 લોકોના મોત થયા હતા. યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીએ રૌફને લશ્કર-એ-તૈયબાના નાણાકીય અને લોજિસ્ટિકલ નેટવર્ક્સમાં તેની ભૂમિકા માટે 2010માં એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા વૈશ્વિક ત્રાસવાદી જાહેર કર્યો હતો.

 

LEAVE A REPLY