અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના અગાઉના ગાઢ સાથીદાર ઇલોન મસ્ક વચ્ચે ફરી મોટો વિવાદ ઊભો થયો છે. ટેસ્લાના માલિક મસ્કે ટ્રમ્પના ધ વન બિગ બ્યુટીફુલ બિલની ટીકા કર્યા પછી બંને ફરી બાખડી પડ્યાં છે.
ઇલોન મસ્કની કંપનીઓને સરકારી સબસિડીમાં કાપ મૂકવાની ધમકી આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે જો તેમનું વહીવટીતંત્ર ટેસ્લા અને સ્પેસએક્સ જેવી તેમની વિવિધ કંપનીઓને આપવામાં આવતી સબસિડીમાં ઘટાડો કરશે તો મસ્કે પોતાની દુકાનો બંધ કરીને વતન દક્ષિણ આફ્રિકામાં પાછા જવું પડશે.
રિપબ્લિકન નેતાની ધમકીનો જવાબ આપતા મસ્કે જણાવ્યું હતું કે ટ્રમ્પે તેમની ધમકીનું પાલન કરવું જોઈએ અને તેમની કંપનીઓને આપવામાં આવતી સબસિડીમાં ઘટાડો કરવો જોઈએ.
મસ્ક મે મહિના સુધી ટ્રમ્પના પ્રેસિડેન્શિયલ એડવાઇઝર તથા સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)ના વડા હતાં. તે સમયે પણ તેમણે ટ્રમ્પના આ બિલનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તે પછી બંને જાહેર બાખડ્યાં હતાં. આ વખતે પણ મસ્કે એક નવા રાજકીય પક્ષની રચનાનો સંકેત આપ્યો હતો.
પ્રેસિડન્ટે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે પ્રેસિડન્ટની ચૂંટણીમાં મને સમર્થન આપ્યું તે પહેલા જ થી ઇલોન મસ્કને ખબર હતી કે હું ઇલેક્ટ્રિક વ્હિકલના મેન્ડેડનો સખત વિરોધ કરું છું. તે હાસ્યાસ્પદ છે અને તે હંમેશા મારા ચૂંટણી અભિયાનનો મુખ્ય ભાગ રહ્યો છે. ઇલેક્ટ્રિક કાર સારી છે, પરંતુ દરેકને એક રાખવાની ફરજ પાડવી જોઈએ નહીં. ઇતિહાસમાં અત્યાર સુધીના કોઈપણ માનવી કરતાં ઇલોનને વધુ સબસિડી મળી શકે છે, અને સબસિડી વિના, ઇલોનને કદાચ દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછા ફરવું પડશે.
