ગુજરાતના હજારો પ્રોપર્ટી માલિકોને મોટી રાહત થાય તેવો એક નિર્ણય લઇને ગુજરાત સરકારે વેચાણ દસ્તાવેજ વગર માત્ર એલોટમેન્ટ શેર કે શેર સર્ટિફિકેટ મારફતના પ્રોપર્ટી ટ્રાન્સફર માટે સ્ટેમ્પ ડ્યૂટીમાં 80 ટકા સુધીની માફી આપવાની જાહેરાત કરી હતી.
આ પગલાથી ખાસ કરીને હાઉસિંગ સોસાયટીઓ, એસોસિયેશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશનોના રહેવાસીઓને ફાયદો થશે, જ્યાં મિલકતો વેચાણ દસ્તાવેજ વિના ફાળવવામાં આવતી હતી. ગુજરાતમાં 1982 અને 2001 વચ્ચે સ્ટેમ્પ ડ્યૂટી ન ભરવી પડે તે માટે માત્ર એલોટમેન્ટ લેટર કે શેર સર્ટિફિકેટથી પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાની એક સામાન્ય પ્રથા હતી. અમદાવાદ અને અન્ય શહેરી વિસ્તારોમાં કોઈપણ ઔપચારિક નોંધણી વિના ફક્ત શેર પ્રમાણપત્રો અથવા ફાળવણી પત્રો દ્વારા રહેવાસીઓને ઘર ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાત સ્ટેમ્પ એક્ટ, ૧૯૫૮ની કલમ ૯(એ) હેઠળ રાહત આપવાનો નિર્ણય લીધો હતો. સોસાયટીઓ, એસોસિયેશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશનો એલોટમેન્ટ લેટર્સ અથવા શેર સર્ટિફિકેટ મારફત પ્રોપર્ટી ટ્રાન્સફર કરે તેવા કિસ્સામાં ચુકવવાપાત્ર કુલ સ્ટેમ્પ ડ્યૂટીમાં 80 ટકા સુધી રાહત મળશે. આમ, મૂળ ડ્યુટી રકમના માત્ર 20 ટકા જ વસૂલવામાં આવશે.
સરકારના નિર્ણય મુજબ, મૂળ ડ્યુટીના 20 ટકા જેટલી રકમ જ, લાગુ પડતા દંડ સાથે (જો કોઈ હોય તો) હવે વસૂલ કરવામાં આવશે. આ પગલાનો હેતુ આવા મિલકત ટ્રાન્સફર કેસોમાં મધ્યમ વર્ગ પર નાણાકીય બોજ ઘટાડવાનો છે.આ સાથે, રાજ્ય સરકારે ખાતરી કરી છે કે ચૂકવવામાં આવતી કુલ સ્ટેમ્પ ડ્યુટી, કોઈપણ દંડ સાથે, આવી મિલકત સંબંધિત બાબતોમાં અગાઉ ચૂકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી કરતાં વધુ ન હોય.
