ભારતીય હવામાન વિભાગે શનિવાર, 10મેએ આગાહી કરી હતી કે ભારતમાં આ વર્ષે ચોમાસાનું આગામન 27મી મેએ કેરળના દરિયા કિનારે થશે. દેશમાં સામાન્ય રીતે સૌથી પ્રથમ પહેલી જૂને કેરળમાં ચોમાસાનું આગમન થયું હોય છે. ચોમાસુ 27મી મેએ આવશે તો આ 16 વર્ષમાં પહેલીવાર હશે, જ્યારે આટલા વહેલા ચોમાસાનું આગમન થશે.
અગાઉ 2009માં 23મી મેએ અને 2024માં 30મીએ ચોમાસુ કેરળમાં પહોંચ્યું હતું. આ સિવાય 2018માં 29મીએ ચોમાસાનું આગમન થયું હતું. હવામાન વિભાગે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ચોમાસુ 8 જુલાઇ સુધી અન્ય રાજ્યોને કવર કરશે
અર્થ એન્ડ સાયન્સ મિનિસ્ટ્રીના સેક્રેટરી એમ.રવિચંદ્રને કહ્યું કે, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે. ચાર મહિના દરમિયાન 87 સેમીના સરેરાશ વરસાદથી 105 ટકા વરસાદ વધુ થઈ શકે છે. સામાન્ય રીતે 96થી 104 ટકા વરસાદને સામાન્ય માનવામાં આવે છે.
હવામાન વિભાગે 9 મેએ કહ્યું હતું કે 13 મે આસપાસ ચોમાસુ અંદમાન-નિકોબાર, બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધવાની શક્યતા છે. જોકે, ભારતમાં ચોમાસાની સીઝન આવવાની સત્તાવાર જાહેરાત – ચોમાસુ કેરળ પહોંચવા પર જ કરવામાં આવે છે.
