પહેલગામ હુમલા પછી ભારતે હાથ ધરેલા આપરેશન સિંદૂરની માહિતી આપતા ઇન્ડિયન આર્મીએ રવિવાર, 11 મેએ જણાવ્યું હતું કે ઇન્ડિયન એરફોર્સ (IAF)એ કાળજીપૂર્વક વિચારવિમર્શ કર્યા પછી પાકિસ્તાનમાં નવ ટાર્ગેટ ઓળખી કાઢ્યા હતાં અને 7 મેએ તેના પર કરેલા હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતાં. 7થી 10 મે સુધી ચાલેલા આપરેશન સિંદૂરમાં અંકુશરેખા પર પાકિસ્તાન આર્મીના આશરે 35થી 40 સૈનિકોના પણ મોત થયા હતાં. સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં નૂરખાન, રફીકી, મુરીદ, સુક્કુર, સિયાલકોટ, પસરુર, ચુનિયા, સરગોધા, સ્કારુ, ભોલારી અને જેકોબાબાદ સહિત 11 આર્મી બેઝનો ખાતમો બોલાવ્યો હતો. પાકિસ્તાન સામેની આ કાર્યવાહીમાં ભારતના 5 સૈનિકો પણ શહીદ થયાં હતાં.
બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ પછી 11મેએ એક પ્રેસ કોન્ફન્સમાં લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, એર માર્શલ અવધેશ કુમાર ભારતી, વાઇસ એડમિરલ એએન પ્રમોદ અને મેજર જનરલ સંદીપ એસ શારદાએ વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પર ભારતના લશ્કરી હુમલાનો હેતુ ફક્ત આતંકવાદીઓને મારવા અને કોલેટરલ નુકસાન ટાળવાનો હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન યુસુફ અઝહર, અબ્દુલ મલિક રઇફ અને મુદાસિર અહેમદ જેવા હાઇ વેલ્યૂ ટાર્ગેટ સહિત 100થી વધુ આતંકવાદીઓને મોત થયા હતાં.
ભારતના 5 યુદ્ધવિમાનો તોડી પાડ્યા હોવાના પાકિસ્તાનના દાવા અંગેના સવાલમાં એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ જણાવ્યું હતું કે નુકસાન એ યુદ્ધનો એક ભાગ છે અને પાકિસ્તાની હવાઈ મથકો અને અન્ય મહત્વપૂર્ણ લક્ષ્યો પર હવાઈ હુમલા પછી તેના તમામ પાઇલટ્સ “સલામત ઘરે પાછા” આવી ગયા છે.આપણે હજુ પણ હવાઈ લડાઈની સ્થિતિમાં હોવાથી કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. તે દુશ્મનો માટે ફાયદાકારક રહેશે. અમે અમારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા છે. અમારા બધા પાઇલટ્સ ઘરે પાછા ફર્યા છે.
