દુનિયાના બીજા નંબરના સૌથી ધનવાન એલન મસ્કની કંપની સ્પેસએક્સએ ભારતમાં પોતાની સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસનુ પ્રી-બુકિંગ ચાલુ કર્યું છે. જોકે આ સર્વિસિસ ચાલુ થાય તે પહેલા ભારતના દૂરસંચાર વિભાગે તેની તપાસ ચાલુ કરી દીધી છે. સ્ટારલિંન્કે ભારતીય એડ્રેસિસ માટે પ્રિ-બુકિંગ સ્વીકારવાનું ચાલુ કર્યું છે. તેનો ભાવ 99 ડોલર છે. આ ભાવ ઇક્વિપમેન્ટનો છે.
સરકાર એ બાબતની સમીક્ષા શરૂ કરી દીધી છે કે, આ ઇન્ટરનેટ સેવાથી દેશમાં હાલના ટેલિકોમ અને ટેકનોલોજી નિયમોનું ઉલ્લંઘન થાય છે કે નહીં. જો ભારતમાં એલન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસની મંજૂરી આપવામાં આવશે તો દેશના બ્રોડબેન્ડ બિઝનેસમાં હલચલ મચી જવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
દૂરસંચાર વિભાગના એક સીનિયર અધિકારીને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું કે વિભાગ એ બાબતને તપાસી રહ્યું છે કે, સ્ટારલિંક બીટા સર્વિસથી ઈન્ડિયન ટેલીગ્રાફ એક્ટ, 1885 અને ઈન્ડિયન વાયરલેસ ટેલીગ્રાફી એક્ટ, 1993 તેમજ દેશની સેટકોમ પોલિસી, 2000 તથા ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000ની જોગવાઈનું ઉલ્લંઘન થાય છે કે નહીં. જો એવું સાબિત થયું કે, સ્ટારલિંકની ઓફરથી હાલના કોઈપણ નિયમનું ઉલ્લંઘન થાય છે, તો પછી તે મુજબ કાર્યવાહી કરાશે.
બ્રોડબેન્ડ ઈન્ડિયા ફોરમે તાજેતરમાં માગણી કરી હતી કે સરકારે સ્પેસએક્સને તેની સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસીઝના બીટા વર્ઝનના પ્રી-સેલને અટકાવવું જોઇએ. તેનું કહેવું હતું કે, અમેરિકાના સેટેલાઈટ ઓપરેટર પાસે તેના માટે યોગ્ય લાઈસન્સ કે ઓથોરાઈઝેશન નથી. આ ફોરમ ભારતી એરટેલ અને યુકે સરકારના સેટેલાઈટ વેન્ચર વનવેબ, એમેઝોન, હ્યુજીસ, ગૂગલ, માઈક્રોસોફ્ટ અને ફેસબુક જેવી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
ઓટો એને એરોસ્પેસ ઈન્ડસ્ટીમાં ધૂમ મચાવ્યા બાદ મસ્કની નજર હવે ટેલિકોમ ઈન્ડસ્ટ્રી પર છે. તેમની કંપની સ્પેસ એક્સપ્લોરેશન ટેકનોલોજી કોર્પોરેશનએ સ્ટારલિંક ઈન્ટરનેટ સર્વિસ માટે 1000થી પણ વધુ સેટેલાઈટ છોડ્યા છે. કંપની અમેરિકા, બ્રિટન અને કેનેડામાં ગ્રાહકોની સાથે કોન્ટ્રાક્ટ કરવામાં લાગી ગઈ છે. સ્પેસએક્સએ રોકાણકારોને કહ્યું છે કે, સ્ટારલિંકની નજર ઈન-ફ્લાઈટ ઈન્ટરનેટ, મેરિટાઈમ સર્વિસીઝ, ભારત અને ચીનમાં ડિમાન્ડ અને રૂરલ કસ્ટમર્સ પર છે. આ આખું બજાર એક ટ્રિલિયન ડોલરનું છે.