વિશ્વની ટોચની બિઝનેસ સ્કૂલોમાંની એક અને અદ્યતન બિઝનેસ એજ્યુકેશન અને પ્રભાવશાળી સંશોધન માટે પ્રખ્યાત લંડન બિઝનેસ સ્કૂલ (LBS) દ્વારા લોર્ડ કરણ બિલિમોરિયાને માનદ ફેલોશિપ એનાયત કરવામાં આવી છે.
લંડન બિઝનેસ સ્કૂલ તરફથી આ માન્યતા લોર્ડ બિલિમોરિયાની આજીવન પરિવર્તન લાવવા અને જાહેર સેવા અને બિઝનેસ દ્વારા કાયમી અસર ઊભી કરવા માટેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. કોબ્રા બીયરના સ્થાપક અને હાઉસ ઓફ લોર્ડ્સના સક્રિય સભ્ય તરીકે, લોર્ડ બિલિમોરિયા ઉદાહરણ દ્વારા પ્રેરણા અને નેતૃત્વ કરી રહ્યા છે.
એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ લોર્ડ બિલિમોરિયાએ કહ્યું હતું કે “લંડન બિઝનેસ સ્કૂલમાં માનદ ફેલો તરીકે નિમણૂક કરવા બદલ હું ખરેખર સન્માનિત છું. હું લંડન બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરીને જે શીખ્યો છું તેના માટે હું હંમેશા આભારી રહીશ, અને LBSમાં પાછા ફરવાનું અને પ્રવચન આપવાનું મને ભાગ્ય મળ્યું છે.’’
LBS એવા વ્યક્તિઓને માનદ ફેલોશિપ આપે છે જેમણે વૈશ્વિક વેપાર અને સમાજમાં અસાધારણ યોગદાન દર્શાવ્યું છે. આ અગાઉ માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, ન્યૂ યોર્ક સિટીના ભૂતપૂર્વ મેયર અને બ્લૂમબર્ગ એલ.પી.ના સ્થાપક માઇકલ બ્લૂમબર્ગ અને સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ સેક્રેટરી-જનરલ કોફી અન્નાનને આ ફેલોશીપ અપાઇ ચૂકી છે.
આ ફેલોશિપ LBS ના વાર્ષિક સમારંભ દરમિયાન એનાયત કરાઇ હતી. જેમાં MBA, એક્ઝિક્યુટિવ MBA, માસ્ટર્સ અને પીએચડી પ્રોગ્રામમાંથી 1,600 સ્નાતકોની સફળતાની ઉજવણી કરવામાં આવી હતી.