અમેરિકાના પ્રમુખ જો બિડેને સ્વદેશી ઉત્પાદનને મજબૂત બનાવી, નવી ટેકનોલોજીનું બજાર ઉભું કરવા અમેરિકી ચીજોની જ ખરીદીના આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકન સરકાર પ્રતિવર્ષ 600 બિલિયન ડોલરની ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ખરીદી કરી છે તેના ત્રીજા ભાગના હિસ્સારૂપ “બાય અમેરિકન” જોગવાઇઓ લાગુ પડે છે.
પ્રમુખ બિડેને “બાય અમેરિકન” જોગવાઇઓની છટકબારીઓને બંધ કરતા આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે. પ્રમુખે આદેશ ઉપર હસ્તાક્ષર પૂર્વે પત્રકારોને જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકી ઉત્પાદન લોકશાહીનો શસ્ત્રાગાર હતો અને હવે હાલમાં અમેરિકાની પ્રગતિનું એન્જિન પણ અમેરિકન ઉત્પાદન બની રહેવું જોઇએ.
પ્રમુખના વાહન કાફલા અને સરકારી વાહનોના સ્થાને અમેરિકી બનાવટના ઇલેકટ્રીક વાહનોને કામે લગાડવાના ચૂંટણી વચનને બિડેને દોહરાવ્યું હતું. અમેરિકન અર્થતંત્રના 12 ટકા હિસ્સારૂપ ઉત્પાદન ક્ષેત્રને પુનઃ મજબૂત બનાવી સદ્ધરતા બક્ષવાની બિડેનની વ્યાપક યોજનામાં વેતનવૃદ્ધિ વધુ રોજગાર, લઘુમતિઓના વેપારધંધાને સહાય તથા પુરવઠા નેટવર્કને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. બિડેને જણાવ્યું હતું કે, અમેરિકાના ભાવિની નિશ્ચિતતા માટે માત્ર આજમના રોજગાર નહીં આવતીકાલના ઉદ્યોગો અને રોજગારો પણ જીતવા પડશે.
2010માં અમેરિકાને પાછળ રાખી વિશ્વમાં ટોચનું ઉત્પાદક રાષ્ટ્ર બનેલું ચીન 2018માં વૈશ્વિક ઉત્પાદનના 28 ટકા ઉત્પાદન માટે જવાબદાર હતું. તાજેતરના વર્ષોમાં નીચા વેતનદર તથા ઉતરતા પર્યાવરણ ધારાધોરણોથી ઉત્પાદકો ચીન અને અન્ય દેશો તરફ આકર્ષાયા છે. અમેરિકાની વેપાર ખાધ નવેમ્બરમાં 68 બિલિયન ડોલર હતી જે છેલ્લા 14 વર્ષમાં સૌથી વધારે હતી. દરમિયાનમાં અમેરિકામાં વોલ્માર્ટ સહિતના અગ્રણી રીટેઇલરોએ “મેઇડ ઇન અમેરિકા” પ્રચાર અભિયાનને વધુ પ્રબળ બનાવેલ છે. વેપાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પુરવઠા નેટવર્કને પુનઃ મજબૂત બનાવવા ઉપરાંત નવા પુરવઠા નેટવર્કનો વિકાસ અર્થતંત્રની વૃદ્ધિ માટે અત્યંત મહત્વનો છે.