પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

જો તમને કોઈ લક્ષણો ન હોય તો તમને કોવિડ છે કે નહિં તેની પુષ્ટિ તરીકે પોઝીટીવ લેટરલ ફ્લો ટેસ્ટ રીઝલ્ટને માન્ય ગણવામાં આવશે અને કોવિડના લક્ષણો વિનાના લોકોને હવે ઇંગ્લેન્ડમાં પીસીઆર ટેસ્ટની જરૂર રહેશે નહિં તેવી જાહેરાત યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી  (UKHSA)એ કરી છે.

UKHSAએ જણાવ્યું હતું કે, આ ફેરફાર સમુદાયમાં કોરોનાવાયરસના ઉચ્ચ વ્યાપ અને ઝડપી ટેસ્ટની ચોકસાઈને દર્શાવે છે. ઓમિક્રોનના કેસોમાં થયેલા વધારાને કારણે પોઝિટિવ લેટરલ ફ્લો ટેસ્ટવાળા ઘણાને ફોલો-અપ પીસીઆર ટેસ્ટ બુક કરવા માટે સંઘર્ષ કરવો પડતો હોય તેવું જોવા મળ્યું છે.

યુકેમાં દૈનિક 800,000થી વધુ લેબોરેટરી ટેસ્ટ કરવાની ક્ષમતા છે પરંતુ ડિસેમ્બરમાં સંખ્યા તેની મર્યાદાની નજીક પહોંચી ગઈ હતી. 23 ડિસેમ્બરે, કુલ 622,948, 28 ડિસેમ્બરે 630,768, 6 જાન્યુઆરીએ 698,502 અને 9 જાન્યુઆરીએ 613,496 પીસીઆર ટેસ્ટ કરાયા હતા.

એવી આશા છે કે આ ફેરફાર લક્ષણો ધરાવતા લોકો અને હેલ્થકેર, ટ્રાન્સપોર્ટ અને નિયમિતપણે ટેસ્ટ કરવા જરૂરી હોય તેવા અન્ય કી-વર્કર માટે પીસીઆર ટેસ્ટ કરવા માટે સરળતા કરી આપશે. કોવિડના ત્રણ મુખ્ય લક્ષણો – ઉચ્ચ તાપમાન, નવી, સતત ઉધરસ અને ગંધ અથવા સ્વાદની ભાવનામાં ઘટાડો અથવા ફેરફાર હોય તેમણે હજી પણ પીસીઆર ટેસ્ટ કરાવવા આવશ્યક છે.

યુકેમાં ગયા મંગળવારે તા. 4ના રોજ કોવિડ કેસ 218,724ની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. પરંતુ તેમાં ઘટાડા પછી સોમવારે તા. 10ના રોજ 142,224 નવા ચેપ નોંધાયા હતા.

“જે લોકો સૌથી વધુ ચેપી છે તેવા વાયરલ લોડવાળા લોકોને શોધવામાં લેટરલ ફ્લો ટેસ્ટ 80 ટકાથી વધુ અસરકારક છે. 10,000 લેટરલ ફ્લો ટેસ્ટમાંથી ત્રણ કરતાં ઓછા ટેસ્ટમાં જ ખોટા પોઝીટીવ પરિણામો આવવાની શક્યતા હતી.

જે લોકો લેટરલ ફ્લો ટેસ્ટમાં પોઝીટીવ જણાય પરંતુ કોઈ લક્ષણો ન હોય તો તેમણે હજુ પણ 10 દિવસ સુધી સેલ્ફ આઇસોલેટ થવું પડે છે. પરંતુ જો તેઓ છઠ્ઠા અને સાતમા દિવસે 24 કલાકના અંતરે કરાયેલા  બે ટેસ્ટમાં સતત નેગેટીવ જણાય તો તેઓ સેલ્ફ આઇસોલેશનમાંથી બહાર આવી શકે છે. વેલ્સ, નોર્ધર્ન આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં પહેલાથી જ રજૂ કરવામાં આવેલા ફેરફારો, લક્ષણો ધરાવતા લોકોને લાગુ પડતા નથી. તેમને હજુ પણ ફોલોઅપ પીસીઆર ટેસ્ટ બુક કરાવવાની જરૂર પડશે.