બળાત્કાર અને જાતીય શોષણના આરોપી હાર્વી વિન્સ્ટીનને 23 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બુધવારે મેનહેટન કોર્ટમાં જસ્ટિસ જેમ્સ બુર્કે સજાની જાહેરાત કરી હતી. હાર્વીને બે કેસમાં દોષિ ઠેરવવામાં આવ્યો છે. હાર્વીને ન્યૂયોર્કની રાઈકર્સ આઈલેન્ડ જેલમાં રાખવામાં આવશે.

હાર્વી પર 80થી વધારે મહિલાઓએ જાતીય સતામણીનો આક્ષેપ કર્યો હતો. તેને પ્રોડક્શન આસિસ્ટન્ટ મિમી હલેઈની સાથે યૌન હિંસા માટે 20 વર્ષ અને એક્ટ્રેસ જેસિકા માનની સાથે બળાત્કાર મામલે ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હાર્વીના વકીલે જણાવ્યું છે કે, જજે આ ચુકાદો મીટૂ મૂવમેન્ટના દબાણમાં આવીને આપ્યો છે.

ન્યૂયોર્કની કોર્ટમાં આ કેસની સુનાવણી 12 સભ્યોની જ્યૂરીએ કરી હતી. લગભગ 6 અઠવાડિયા સુધી ચાલેલી ટ્રાયલ બાદ વિન્સ્ટીનને બળાત્કાર અને યૌન હિંસાના બે કેસમાં દોષિ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે કોર્ટે આરોપીને અન્ય ત્રણ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો. ન્યૂયોર્કના રાઈકર્સ આઈલેન્ડ જેલ પહોંચ્યા બાદ હાર્વીની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાર્વીના પ્રવક્તા જૂડો એન્ગલમેયરે જણાવ્યું હતું કે, હ્રદયને લગતી તકલીફને કારણે હાર્વીને બૈલૂવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.