કોરોના વાયરસે દુનિયાના 100 કરતા વધારે દેશોને પોતાની લપેટમાં લઈ લીધા છે. આ વાયરસને અમેરિકામાં ફેલાતો અટકાવવા માટે અમેરિકાએ કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. કોરોનાના વધી રહેલા મામલાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશને સંબોધિત કરીને વાયરસ પર કાબૂ મેળવવા માટે પ્રશાસન તરફ ઉઠાવાયેલા પ્રશ્નો પર જવાબ આપ્યા હતા.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ખતરનાક વાયરસથી બચવા માટે યુરોપ પર નવા પ્રવાસીઓ માટે પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે. તેમજ વોશિંગ્ટનમાં કોરોનાના કારણે રાજ્યમાં કટોકટી જાહેર કરી દેવામાં આવી છે. અમેરિકામાં કોરોનાના કારણે 22થી વધુ લોકોના મોત નિપજ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસથી બગડેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આને મહામારી જાહેર કરી દીધી છે.

ટ્રમ્પે ટીવી પર પોતાના સંબોધનમાં કહ્યું કે યુરોપના તમામ પ્રકારના પરિવહન પર આગામી 30 દિવસ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. તેમણે કહ્યું કે આ નિર્ણય થોડો કઠોર છે પણ જરૂરી છે. બ્રિટનમાં કોરોના વાયરસના 460 કેસની પુષ્ટિ થઈ ચૂકી છે. વોશિંગ્ટન ડીસી તરફથી હેલ્થ એડવાઈઝરી જાહેર કરીને લોકોને 31 માર્ચ સુધી જાહેરમાં સમૂહમાં એકત્ર થવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. કોરો વાયરસ વધુ ફેલાય નહીં તેની તકેદારીના ભાગરૂપે અમેરિકાએ આ આકરા પગલાં જાહેર કર્યા છે.