ભારતમાં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યના લોકો અત્યારે વીજળીની અછતનો સામનો કરી રહ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજ્યોનું તાપમાન 40 ડિગ્રીની ઉપર છે અને અનેક જગ્યાઓ માત્ર 7-8 કલાક જ વીજળી મળી રહી છે. બીજી તરફ કહેવાય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર કોલસાની આયાત પર પડી છે. ભારતમાં શુક્રવારે બપોરે 2:50 કલાકે વીજળીની માગ 2, 07, 111 મેગાવોટ સુધી પહોંચી ગઈ હતી જે અત્યાર સુધીનો સૌથી ઉંચો રેકોર્ડ છે. પાવર પ્લાન્ટ્સ પાસે કોલસાના જથ્થામાં થયેલા ઘટાડાના સમાચાર વચ્ચે ભારત સરકારના પ્રધાન પ્રહ્લાદ જોશીએ જણાવ્યું કે, દેશના પ્લાન્ટ્સમાં આશરે 22 મિલિયન ટન કોલસો છે જે 10 દિવસ માટે પૂરતો છે અને તે સતત ભરપાઈ કરવામાં આવશે. ઝારખંડ, હરિયાણા, બિહાર, પંજાબ, મહારાષ્ટ્ર એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં સતત વીજળી ડૂલ થઈ રહી છે. જરૂરી સેવાઓમાં વીજકાપની સંભાવનાને લઈ દિલ્હી સરકાર દ્વારા કેન્દ્રને પત્ર પણ લખવામાં આવ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ સ્થિતિનો સામનો કરવા માટે પગલાં ભરી રહ્યા છે.